Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મોરબીમાં ૨.૯૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીનું ખાતમુહૂર્ત

મોરબી,તા.૪: રફાળેશ્વર નજીક ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું અને ૨.૯૨ કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનિક બિલ્ડીંગ તૈયાર કરાશે.

રાજયના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના શુભેચ્છા સંદેશ સાથે રફાળેશ્વર જીઆઈડીસી ખાતે જીપીસીબી અધિકારી કાપડિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાદેશિક કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજયમાં આવેલ ૨૭ પ્રાદેશિક કચેરીઓમાં મોરબી પ્રાદેશિક કચેરીનો સમાવેશ થાય છે જેના કાર્યક્ષેત્રમાં મોરબી,વાંકાનેર, હળવદ, માળીયા અને ટંકારા વિસ્તારના ઓદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે જેમાં સિરામિક, પેપરમિલ, ફાર્માસ્યુટીકલ, લેમિનેટ શીટ, પ્લાસ્ટિક અને એન્જીનીયરીંગ સહિતના એકમોનો સમાવેશ થાય છે મોરબી વિસ્તારમાં કુલ ૨૨૯૫ ઓદ્યોગિક એકમો દ્વારા તેના ઓદ્યોગિક ગંદા પાણીને જરૂરી ટ્રીટમેન્ટ કરી ટ્રીટેડ ગંદા પાણીને રિયુઝ કરવામાં આવે છે.

રાજયમાં કુલ સાત પ્રાદેશિક કચેરીઓ જેવી કે સરીગામ, સુરત, અમદાવાદ (વટવા), સુરેન્દ્રનગર, મોરબી, ભરૂચ અને જુનાગઢ કચેરીઓ માટે જમીનની ફાળવણી થઇ ગયેલ હોવાથી બાંધકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મોરબીમાં પણ પ્રાદેશિક કચેરીના આધુનિક બિલ્ડીંગ બાંધકામ માટે આજે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

(11:35 am IST)