Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કેશોદમાં બીનખેતી રેવન્યુ સર્વે નંબરની નોંધ ઇ-ધારા કે સીટી સર્વે કચેરીમાં ન પડતા મહત્વના કામો અટકયા

ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મગનભાઇ કોટડીયાએ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી આ અંગે યોગ્ય હુકમ કરવા માંગણી કરી

કેશોદ, તા. ૪ : સ્થાનિક શહેરમાં બીનખેતી રેવન્યુ સર્વેની નોંધ ઇ-ધારા કે સીટી સર્વે કચેરીમાં ઘણા લાંબા સમયથી ન પડતા આ સંદર્ભે અરજદારોના મહત્વના કામો અટકી પડતા હોવાનું સ્થાનિક ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મગનભાઇ કોટડીયાએ જીલ્લા કલેકટરને પાઠવેલ એક પત્રમાં જણાવી આ અંગે યોગ્ય હુકમ કરવા માંગણી કરેલ છે.

ચેમ્બર્સ પ્રમુખ શ્રી કોટડીયાએ જીલ્લા કલેકટરને લખેલ પત્રમાં જણાવેલ છે કે, જુનાગઢ જીલ્લાના કેશોદ શહેર કે તાલુકાના ગામડાઓમાં આવેલ બિનખેતીની રેવન્યુ સર્વે નંબરોની હક્કપત્ર ૬માં દાખલ કરવામાં આવતી નથી. તેમજ અમુક બિનખેતી રેવન્યુ સર્વે નંબરોના પ્રોપર્ટી કાર્ડ બનેલ છે તેની નોંધ સીટી સર્વે કચેરીમાં દાખલ કરવામાં આવેલ છે.

જે બીનખેતી સર્વે નંબરોના પ્રોપર્ટી કાર્ડ બનેલ ન હોઇ તેની નોંધ આજથી લગભગ છેલ્લા બે-ત્રણ વર્ષથી સીટી સર્વે કચેરીમાં કે હકક પત્રમાં કે ગામ નમુના ર માં ફેરફાર કરવામાં આવેલ નથી તેના કારણે સામાન્ય લોકો ભારે હેરાન થાય છે.

ચેમ્બર્સ પ્રમુખે વધુમાં જણાવેલ કે, આ બાબતે લેન્ડ સી-હકકપત્ર નોંધ-ર૦૧૮ તા. ૩-૧-૧૯થી આપની કક્ષાએથી હુકમ કરવામાં આવેલ હતો કે બીનખેતી રેવન્યુ સર્વે નંબરોના પ્રોપર્ટી કાર્ડ બનેલ ન હોઇ તેની સીધી અસર ગામ નમૂના નં.રમાં ફેરફાર કરવો અને તેના આધારે કેશોદ સીટી તલાટી ગામ નમુના નં. રમાં ફેરફાર કરી આપતા હતા, પરંતુ આ અંગેની નોંધ સ્થાનિક મામલતદારશ્રીએ છેલ્લા ઘણા સમયથી બંધ કરી દીધેલ છે.

આ પ્રકારની નોંધ ન પડવાના કારણે ઘણા સાટાખતો, કરારો, દસ્તાવેજો, પ્રોપર્ટી મોર્ગેજ, વિદ્યાર્થીઓની એજયુકેશન લોન, પ્રધાન મંત્રી આવાસ યોજના, સબપ્લોટીંગ, બાંધકામ મંજુરી સહિતની વિવિધ પ્રકારની અરજદારોની મહત્વની કામગીરી અટકી પડે છે.

(11:32 am IST)