Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ધોરણ ૧ર (સામાન્ય પ્રવાહ)ના છાત્રોને પૂરક પરીક્ષાનો લાભ આપવા માંગણી

એકને ગોળ-બીજાને ખોળ આપવાની નીતિ સામે રોષ : બે વિષયમાં અનુતિર્ણ થયેલા ધો.૧૦-૧ર (વિજ્ઞાન)ના છાત્રો પૂરક પરીક્ષા આપી શકે છેઃ વાલીગણમાં રોષ

જુનાગઢ તા. ૪ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો એકને ગોળ બીજાને ખોળ આપવાની નીતિ સામે ધોરણ-૧ર (સામાન્ય)માં બે વિષયમાં અનુતિર્ણ થયેલા છાત્રોને પૂરક પરીક્ષામાં નહી બેસવા દેવા સામે વાલીગણમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે.

શિક્ષણ બોર્ડના અધિકારીને એક પત્ર દ્વારા જૂનાગઢના વાલી અનિલભાઇ દવેએ સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં અનુતિર્ણ થયેલા છાત્રોને પૂરક પરીક્ષાથી શા માટે વંચિત રાખવામાં આવે છે ? તેવો પ્રશ્ન ઉઠાવી જેમ ધોરણ દસ અને ધોરણ ૧ર (વિજ્ઞાન પ્રવાહ)માં વિદ્યાર્થીનું મહામુલુ વર્ષ બચી જાય તે માટે બે વિષયોની પૂરક પરીક્ષા લેવામાં આવે છે.તેવીજ રીતે ધોરણ ૧ર (સામાન્ય પ્રવાહ)ના છાત્રોને પણ લાભ આપવા માંગણી કરી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા આવી એકને ગોળ બીજાને ખોળ આપવાની નીતિ સામે વાલીગણ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળે છે બોર્ડમાં પરીક્ષા શાખનો સંપર્ક કરવા અધિકારીઓ મધ્યસ્થ અવલોકન કામગીરીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળેલ છે.

સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં અનુતિર્ણ થયેલા  છાત્રો માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારે શિક્ષણ બોર્ડ સત્વરે બે વિષયોમાં અનુતિર્ણ થયેલા છાત્રો પણ પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લે તો હજારો છાત્રોનું વર્ષ બચી જશે.

પૂરક પરીક્ષાનું ધોર-૧૦-૧ર (વિજ્ઞાન)ની જેમ સામાન્ય પ્રવાહમાં પણ છાત્રોને લાભ મળવો જોઇએ તેવી માંગણી સાથે અનિલભાઇ દવેએ શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરવા જૂનાગઢના વાલીગણની બેઠક બોલાવી છે. એન.એસ.યુ.આઇ. સંગઠને પણ આ મુદ્દે રસ લઇ વાલીગણને સહયોગ આપે તેવો અનુરોધ કર્યોછે.(

(11:18 am IST)