Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

મોરબીના પશુપાલકની ગીર ગાય એ દૂધ હરિફાઈમાં મેળવ્યું પ્રથમ સ્થાન

રાજકોટ વિભાગમાં ૨૮.૬૬ કિ.ગ્રામ દૂધ ઉત્પાદન સાથે પ્રથમ ગીર ગાયના પશુપાલને રૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ

મોરબી, તા.૪: રાજયમાં પશુપાલનના વ્યવસાયને વેગ મળે અને સારી ઓલાદના પશુઓ બાબતે પશુપાલકોમાં જાગૃતિ આવે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે રાજય સરકાર દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગ રૂપે સમગ્ર રાજયમાં વિવિધ વિભાગોમાં યોજવામાં આવેલ દૂધ હરિફાઈમાં રાજકોટ વિભાગમાં મોરબી જિલ્લાના ૨૦ પશુપાલકોએ ભાગ લીધો હતો. જેમાં ગીર ગાયની હરિફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને આવતા તેમને રાજય સરકાર વતી મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ રૂપિયા ૫૧,૦૦૦/- નો ચેક પુરસ્કાર રૂપે અર્પણ કર્યો હતો.

રાજકોટ વિભાગની દૂધ હરિફાઈમાં પ્રથમ આવ્યા બાદ મોરબી શહેરના પશુપાલકશ્રી મહિપાલસિંહ જાડેજા એ  જણાવ્યું હતુ કે, આ પહેલા પણ ૨૦૧૩-૧૪ ના વર્ષમાં યોજાયેલ ગીર ગાયની દૂધ હરિફાઈમાં મે ભાગ લીધો હતો ત્યારે મારી ગાય ૨૩ કિ. ગ્રામ દૂધ સાથે બીજો નંબર આવ્યો હતો. પરંતુ આ વખતે મારી ગીર ગાયનું કુલ ૨૮.૬૬ કિ. ગ્રામ દૂધ ઉત્પાદન નોંધાતા પ્રથમ નંબર મળ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજયના પશુપાલકો સારી ઓલાદના પશુપાલન થકી આર્થિક રીતે સક્ષમ બને અને પશુપાલનના વ્યવસાયને વેગ મળે તે માટે રાજયના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે પશુ આરોગ્ય મેળાઓ અને જાગૃતી શિબિરો યોજવામાં આવે છે. 

મોરબી જિલ્લામાં પણ પશુપાલનના વ્યવસાયને નવી દિશા મળી રહે તે માટે પશુપાલન વિભાગ દ્વારા દૂધ ઉત્પાદન હરિફાઈ,પશુપાલન વિસ્તરણ ઝૂંબેશ, રસીકરણ, કૃત્રિમ બિજદાન, સહિતની પશુપાલન વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પશુપાલક લાભાર્થીઓ સુધી પહોંચાડી પશુપાલકોમાં જાગૃતી આવે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

(11:53 am IST)