Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ખારચિયા (આમરણ ચોવીસી) ના પ્રગતિશીલ ખેડુત પરાક્રમસિંહની અનેરી સિધ્ધી

ક્ષારયુકત જમીનને દોષ દઇ બેસી રહેવાના બદલે પુરૂષાર્થ કર્યોઃ મીઠી મધ જેવી ખારેકનો પ્રથમ મબલખ પાક ઉતાર્યો

આમરણ તા ૪ : આમરણ ચોવીસી પંથકના ખારચિયા ગામના પૂર્વ યુવા સરપંચ અને પ્રગતિશીલ ખેડુત પરાક્રમસિંહ કિરીટસિંહ જાડેજાએ પોતાના ૧૦ વીઘાના ખેતરમાં ત્રણ વર્ષના અથાગ પરિશ્રમ બાદ ઓર્ગેનિક ખારેકનો બાગાયતી ખેતી દ્વારા ઓણસાલ મીઠી મધ જેવી ખારેકનો પ્રથમ વર્ષેજ મબલખ પાક હાંસલ કરી મન હોય તો માળવે જાવાય અને પરિશ્રમ એ જ પારસમણી છે એ ઉકિતને સાર્થક કરી બતાવી છે. ચોવીસી પંથકમાં મુન્નાભાઇ સરપંચના હુલામણા નામથી જાણીતા પરાક્રમસિંહ જાડેજાએ આર્થિક સહાસ કરી મેળવેલ સિધ્ધિની આ વિસ્તારના કિશાનો સરાહના કરી રહયાં છે.

જોડિયા-મોરબી-માળિયા (મિ) ના ત્રિબેટ દરિયાકાંઠે આવેલા આમરણ ચોવીસી પંથકની જમીન સંર્પર્ણપણે ક્ષારયુકત છે. માત્ર વરસાદ આધારીત સૂકી  ખેતી છે. તળમાં પાણી નથી બદલાયેલી મોસમી પરિસ્થિતીમાં આ વિસ્તારમાં મુખ્ય ખેત ઉત્પાદન કપાસ છે. છેલ્લા થોડા વર્ષોથી કારમી મહેનત અને આર્થિક ખર્ચા બાદ પણ પુરૂ વળતર મળતું નહીં હોવાથી ખેડુત અને ખેતી પાયમાલ થઇ રહયા હોય પ્રાક્રમસિંહે કૃષિ ક્ષેત્રે કંઇક નવું કરવાના વિચારે કરેલ ખારેકની ખેતીમાં સફળતા મેળવી જોડિયા, મોરબી, માળિયા વિસ્તારમાં પ્રથમ પ્રયોગવીર પ્રગતિશીલ ખેડુત તરીકેનું બિરૂદ પ્રાપ્ત કરતા, તાજેતરમાં મોરબી ખાતે કૃષી મહોત્સવ પ્રસંગે પૂર્વ કેબિનેટમંત્રી આઇ.કે. જાડેજાના વરદ્હસ્તે શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.

પ્રગતિશીલ ખેડુત પરાક્રમસિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હવે ચોમાસુ ઋતુના બદલાયલા સંજોગોમાં સૂકી ખેતી પર નિર્ભર રહેવુ દરેક જગતાત માટે કઠિન છે. તનતોડ મહેનત અને આર્થિક ખર્ચા પછી પણ દયનીય સ્થિતીમાં જીવાવા મજબુર રહેવું પડે છે. વધુમાં જણાવ્યું કે, અવારનવાર  સગા સંબધીઓને ત્યાં કચ્છમાં જવાનું થતું હોવાથી ખારેકની ખેતી તરફ  મન બનાવી લીધું  હતું. ખારેકની ખેતી સાથોસાથ લીંબુ, સંતરા, તેમજ બાજુબાજુના બે કયારા વચ્ચે ફરજીયાત છોડવી પડતી ૩૦*૩૦ ફૂટની ફાજલ જમીનમાં મગફળી તેમજ કઠોળના પાકોનું વાવેતર કરી વિવિધ પાકો લઇ શકાય છે, તે વાત જાણીને આજથી ત્રણ વર્ષ પહેલાં અમલીકરણ કર્યુ હતું. (૩.૧)

(10:07 am IST)