Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ચોટીલામાં વેસ્ટ શ્રીફળના છાલોતરામાંથી બેસ્ટ પ્રોડકશન વિકસી શકે છે : આફ્રિકન વેપારીઓ

વિદેશી યાત્રિકોએ ચામુંડા મંદિરે દર્શન કર્યા : યુવાનો સાથે ચર્ચા અને રોટલા શાકની લીજ્જત માણી

ચોટીલા તા. ૪ : રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભાગ લેવા આવેલ આફ્રિકાનાં વેપારીઓ સાથે એસયુવીએમનાં પ્રમુખ પરાગભાઇ તેજુરા અને તેમની ટીમે ચોટીલાની મુલાકાત લીધેલ.

આફ્રિકાનાં ટોગો અને ધાના દેશનાં વેપારીઓએ ચોટીલાની મુલાકાત દરમ્યાન ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શન કરી પૂજા કરી જય માતાજીનાં નાદ સાથે મહંત પરિવારના આશિર્વાદ મેળવેલ બાદમાં હોટલ સનવિલા ખાતે સ્થાનિક યુવાનો સાથે સૌરાષ્ટ્ર અને આફ્રિકા વચ્ચે રહેલ વેપારની વિપુલ તકો અંગે ચર્ચા વિચારણા કરેલ જેમાં ન. પા. ઉપ પ્રમુખ હરેશભાઇ ચૌહાણ, જાણીતા પત્રકાર જીજ્ઞેશભાઇ શાહ, ઉમેશભાઇ ખાચર, જય શાહ, લાલાભાઇ ગીડા, જીજ્ઞેશ ખંધાર સહિતનાં ઉપસ્થિત રહી કૃષિ ઉત્પાદન, ખેત ઓજારો, મશીનરી, સીરામીકસ પ્રોડકટ સહિતનાં વેપાર અંગે ની તકો તેમજ નિકાસ સહિતની તજવીજ અંગેની ચર્ચાઓ સાથે માહિતીની આપ લે કરેલ હતી.

રાત્રીનાં પ્યોર કાઠીયાવાડી દેશી ભોજન આખી ડુંગળીનું શાક, બાજરાના રોટલા, માખણ, ગોળ છાસનું દેશી ભોજનની લીજજત માણી આફ્રિકનો આંગળા ચાટતા થઈ ગયા હતા. મિડીયા સાથે વાત કરતા વિદેશી વેપારીઓએ જણાવેલ કે ચોટીલામાં શ્રીફળનાં વેસ્ટ છાલોતરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડકશન વિકસાવવાની તક રહેલી છે જેના ગૃહ ઉદ્યોગ તરફ યુવાનોએ ધ્યાન કેન્દ્રિત કરી સરકાર અને પ્રશાસનની મદદથી નવા ઉદ્યોગની સ્થાપના કરવી જોઇએ.

(3:46 pm IST)