Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

જુનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદથી હરખની હેલીઃ વાવણી કાર્યના શ્રીગણેશ

સવારે મેંદરડા પંથકમાં અર્ધો ઇંચ વરસાદ

જુનાગઢ, તા., ૪: જુનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદથી હરખની હેલી છવાઇ ગઇ છે અને ખેડુતો દ્વારા વાવણી કાર્યના શ્રી ગણેશ કરવામાં વાડી વિસ્તારો વિવિધ ચહલપહલથી ધમધમી રહયા છે.

સોરઠમાં સોમવારની મધરાતથી શરૂ થયેલી મેઘસવારી ગત રાત્રે પણ ચાલુ રહી હતી. ર૪ કલાકમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ કેશોદ વિસ્તારમાં થયો હતો.

જયારે ભેસાણમાં ર૩, માળીયા હાટીના-ર૩, માણાવદર-પ૬, વંથલી-૮ અને વિસાવદર ખાતે ૪૮ મી.મી. વરસાદ નોંધાયો હતો.

જુનાગઢ શહેરમાં પોણો ઇંચ મેઘ મહેર થયા બાદ આજે પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહયા છે. મેઘાવી માહોલને લઇ જુનાગઢ અને ગિરનાર જંગલ વિસ્તારમાં આખો દિવસ મેઘાનો મુકામ રહે તેવી શકયતા છે.

ભેંસાણમાં ગઇકાલે ૧ ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારે વધુ ૬ મી.મી. વરસાદ નોંધાતા લોકો ખુશખુશાલ થઇ ગયા છે.

મેંદરડા તાલુકામાં સવાર સુધીમાં પ૮ મીની મેઘમહેર થયા બાદ સવારે બે કલાકમાં વધુ ૧ર મી.મી. એટલે કે અડધો ઇંચ મેઘકૃપા થઇ છે.

જુનાગઢ જિલ્લામાં ૩૬ કલાકમાં સાર્વત્રીક વરસાદથી ખેડુતો વાવણી કાર્યમાં જોતરાઇ ગયાને બળદ તેમજ સાંતીનું પૂજન-અર્ચન કરીને વાવણીનો પ્રારંભ કરી દીધો છે.

(11:32 am IST)