Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ભાવનગર પાસે કેમીકલ્સ ભરેલ ટેન્કર નાલામાં ખાબકયા બાદ આસપાસના લોકોને અન્યત્ર ખસેડાયા

ભાવનગર, તા. ૪ :. ભાવનગર-સોમનાથ હાઈવે ઉપર ભંડારીયા ગામ પાસે કમિકલ ભરેલુ ટેન્કર નં. જીજે ૧૨ બીવી ૯૮૦૮ના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટેન્કર ૨૫ ફૂટ નીચે નાળામાં ખાબકયુ હતુ અને ધડાકાભેર અવાજ સાથે ટેન્ક ફાટતા તેમા ભરેલુ પ્રવાહી કેમિકલ ઉડયુ હતુ. અહીં નાળા નીચે બેઠેલી ગાયો પર કેમીકલ ઉડતા ગાયોમાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે નાળા પાસે રહેતા લોકો પણ ભય અને કુતુહલના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ટેન્કરમાંથી ઉડેલુ કેમીકલ એક મહિલાની આંખમાં પડતા આંખમાં બળતરાની ફરીયાદ સાથે પ્રાથમિક સારવાર અપાઈ હતી.

બનાવની જાણ થતા જ ભાવગરથી ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી જઈ ફોમનો છંટકાવ કરેલ જેથી આગ જેવી ઘટના બને નહિ ફાયરબ્રિગેડના સુત્રોના જણાવ્યા મુજબ ટેન્કરમાં અત્યંત જવનશીલ પ્રકારનું 'બેન્જીન' કેમીકલ ભરેલુ છે અને ટેન્કરમાં ૨૦ કે એલ જથ્થો ભરેલ છે.

ટેન્કર નાળા પરથી ખાબકતા તેમાથી કેમીકલ ઉડતા આજુબાજુ રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી. જેમાં ભરવાડ રેખાબેન જેતાભાઈ જોગરાણા (ઉ.વ. ૩૮) તેમજ દિકરીઓ અંકિતાબેન (ઉ.વ.૧૬) અને રિદ્ધિબેન (ઉ.વ.૧૭)ને નાક, કાન અને આંખ તથા ગળામા બળતરા તેમજ ઉબકા થવાની ફરીયાદ થતા ૧૦૮ ઈમરજન્સી દ્વારા ભાવનગરની સરકારી હોસ્પીટલે ખસેડાયેલ છે.

તંત્ર દ્વારા આ બનાવની ગંભીરતાને લઈ હાઈવે બંધ કરી ડાયવર્ઝન અપાયુ હતું. સીટી ડીવાયએસપી ઠાકર, વરતેજ અને ઘોઘા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર નિરીક્ષણ કર્યુ હતું. આજુબાજુના મકાનો ખાલી કરાવી રહીશોને સલામત સ્થળે ખસેડાયા હતા અને સલામતીના ભાગરૂપે વિજ પુરવઠો બંધ કરાયો હતો.

સવારે બનેલા આ બનાવ બાદ સાંજે ૪.૩૦ કલાકે કેમીકલ ખાલી કરવા અને ટેન્કરને બહાર કાઢવા ઓપરેશન હાથ ધરાયુ હતું.

(11:30 am IST)