Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

કન્ટેનર હડફેટે આધેડનું મોત : લોકો રોષે ભરાયા અનેક કન્ટેનરમાં તોડફોડ.

મોરબી રેલવે સ્ટેશન પાછળ રસ્તો ગેરકાયદે હોવાનું કહી રસ્તો બંધ ન થાય ત્યાં સુધી મૃતદેહ ઉપાડવાનો સ્થાનિકોનો ઇન્કાર

મોરબીના રેલવે સ્ટેશન પાછળ આવેલ કન્ટેનર ડેપોમાંથી નીકળેલા કન્ટેનર હડફેટે આધેડનું મોત નિપજતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને અનેક કન્ટેનરોમાં તોડફોડ કરીને આ કન્ટેનર ડેપોના કન્ટેનર નીકળવાનો રોહિદાસપરાનો માર્ગ ગેરકાયદે હોય એ રસ્તો બંધ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.

   આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રેલવે સ્ટેશન પાછળ આવેલ કન્ટેનર ડેપોમાંથી નિત્યક્રમ મુજબ ગઈકાલે સાંજે એક કન્ટેનર બાજુના રોહિદાસપરાના માર્ગમાંથી નીકળતા આ કન્ટેનરની હડફેટે ચડી જતા રોહિદાસપરાના રહેવાસી મોહનભાઇ મોતીભાઈ પરમાર ઉ.વ.50 નામના આધેડને ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

 આ બનાવની પગલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને જીવલેણ અકસ્માતથી રોષે ભરાયેલા લોકોએ દસથી વધુ કન્ટેનરના કાચ તોડી નાખી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ લોકોએ આ કન્ટેનર ડેપોનો રોહિદાસપરામાંથી નીકળતો માર્ગ ગેરકાયદે હોય આ રસ્તો બંધ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ગઈકાલથી જ ઇન્કાર કરી દેતા રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે

   
(10:24 pm IST)