Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ફંગસ બાદ સારવાર લેતાં ભુજના જાણીતા વ્યાપારીનું અદાણી જીકે હોસ્પિટલની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ

ઓકિસજનની ખાલી બોટલ ચડાવીઃ જુનિયર તબીબોને હવાલે દર્દીઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જૂથ દ્વારા ચલાવાય છે. દરમ્યાન હોસ્પિટલ મેનેજમેન્ટની ક્ષતિઓને કારણે ઘણીવાર સારવાર બાબતે થતાં આક્ષેપ અદાણી મેનેજમેન્ટ સામે સવાલો ખડા કરે છે. સારવારમાં બેદરકારીના કારણે ભુજના જાણીતા વ્યાપારીનું મોત નીપજયું હોવાના આક્ષેપ સાથે ફરી એક વાર અદાણી જૂથ સાથે ભુજની સરકારી હોસ્પિટલની સેવાઓ બાબતે સવાલો ખડા થયા છે. ભુજના ૫૮ વર્ષીય વ્યાપારી બ્લેક ફંગસની સારવાર માટે દાખલ થયા હતા. જયાં તેઓ જડબાની સફળ સર્જરી બાદ મ્યુકોરમાઇસિસથી મુકત થયા હતા. પણ, તેમના વોર્ડની લાઈટ જતાં તેમની હાલત કથળતાં અમદાવાદ લઇ જવા એમ્બ્યુલન્સમાં ખસેડાયા હતા. પણ, નીચે લઈ જતી વેળાએ માસ્ક સાથે ખાલી ઓકસીજન બોટલ ચડાવતા તેમની તબિયત વધુ લથડી હતી. જોકે, ડ્રાઈવરે તાત્કાલિક વેન્ટિલેટર ઉપર મૂકી દેતા તબિયત થોડી સુધરી હતી. પણ, ત્યારબાદ અમદાવાદ જવાનું કેન્સલ કરી ફરી જીકે હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કરી દાખલ કરાયા હતા. આ તમામ કાર્યવાહીમાં ફરી દાખલ કરવાની વિધિ કરાવાઈ તે વચ્ચે તેમનું ઓકસીજન લેવલ દ્યટી ગયું. પણ, ઈમરજન્સી વોર્ડમાં રહેલી ૪ ઓકસીજન બોટલ ખાલી હોઈ દોડધામ થઇ હતી. આ દરમ્યાન તબીબી સારવાર જુનિયર તબીબોને હવાલે હતી. જોકે, આ દરમ્યાન દર્દીનું મોત નિપજતાં અદાણી જીકેમાં ત્રણ ત્રણ ઓકસીજન પ્લાન્ટ હોવા છતાં બોટલ ખાલી હોવા અંગે તેમ જ તબીબોની બેદરકારી અંગે સવાલો ઉઠાવી પરિવારજનોએ આક્ષેપો કર્યા છે.

(11:02 am IST)