Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

પાલીતાણામાં રપ૦૦ મણથી વધુ ''લીંબુ''ની આવક, પણ પુરતા ભાવ મળતા નથી !

પાલીતાણા તા. ૪ : પાલીતાણા માર્કેટીંગ યાર્ડમાં લીંબુના ભાવ સારા મળતા હોવાથી સણોસરા સુધીના ગામોના ખેડુતો લીંબુ વેચવા આવે છે ત્યારે દરવર્ષે આ સીઝનમાં ૪૦ થી પ૦ રૂ. પ્રતિકિલો રહે છે .તે હાલ ફકત રૂ.૧૮ થી ૩ર રૂ. સુધી હરાજીમાં ભાવ મળી રહ્યાનો ખેડુતો કહી રહ્યા છે. લીંબુની ઓછા વધુ પ્રમાણમાં આવક બારેમાસ રહે છે. પરંતુ લીંબુની માંગ અને ઉંચાભાવ ૧પ માર્ચથી ર૦ જુન સુધી ત્રણેક માસમાં વધુ આવક અને ઉંચા ભાવ જોવા મળે છે.

સોનગઢ, સરકા, સણોસરા સુધીના ખેડુતો લીંબુ વેચવા પાલીતાણા યાર્ડમાં પહોંચે છે જસર, ગારીયાધારના અમુક ગામડાના ખેડુત પાલીતાણા યાર્ડમાં હરાજી માટે આવે છે આ અંગે જાણકારનું કહેવું છે કે હાલ લોકડાઉન ચાલુ હોય અન્ય રાજયમાં માલ પહોંચાડવો તથા વેચવો ખુબજ કઠીન છે. તદ્દઉપરાંત લીંબુના અથાણા બનાવતી કંપની જે મૈસુર આવેલ છે તે બંધ છે.

જેથી લીંબુની ખપત ઘટી માંગ ઘટતા ભાવ તૂટીયા છે.

પાલીતાણાથી લીંબુ વેપારીઓ દિલ્હી, પંજાબ, રાજેસ્થાન, મૈસુર સહીતના રાજય શહેરોમાં ટ્રકલોડ માલ મોકલે છે.દરવર્ષે ત્યાં પ્રતિ કિલો રૂ.૧૦૦ માં વેચાય છે. એટલ સૌરાષ્ટ્રમાં લીંબુના ભાવ પ્રતિકીલો રૂ.૪૦ થી પ૦ કે તેથી વધુ મળે છે. પરંતુ હાલ દિલ્હી સહીતના રાજયમાં માંગ સીંમીત છે તથા ભાવ પ્રતિકિલો પ૦ રૂ.ની આસપાસ મંગાય છે.જેથી ઉપરની માર્કેટમાં ભાવમાં કડાકો બોલાતા ખેડુતોને મળતા ભાવ ઓછો મળી રહ્યા છે જેથી ખેડુતોમાં મનોમન વ્યથા ઠલવી રહ્યા છે. દરરોજ હાલ રપ૦૦ થી વધુ ગાંસડીની આવક પાલીતાણા યાર્ડમાં થઇ રહી છે હાલના ર૦ રૂ.થી વધુના ભાવથી ખરીદી વેપારી કરી રહ્યા છે. એટલે કે લાખોના લીંબુ દરરોજ આવી રહ્યા છે. લીંબુ અન્ય શાકભાજીની તુલનામાં સારૂ વળતર ખેડુતોને મળતું હોવાનું ખેતી વિષયક તજજ્ઞ કહી રહ્યા છે.

(11:32 am IST)