Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન દરમિયાન અનેક પ્રકારની પ્રેરણારૂપ કામગીરી કરાઇ

સૌને સાથે લઇને ચાલવાની ચેમ્બર પ્રમુખ હરીશભાઇ વિઠલાણીની કામગીરીની નોંધ લેવાઇ : આ સેવા યજ્ઞમાં કોઇપણ જાત જાતના ભેદભવ વગર મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા

 કોડીનાર તા. ૪ :.. વર્તમાન કોરોના મહામારી દરમ્યાન લાગુ કરવામાં આવેલ લોકડાઉન-૧, ર, ૩, ૪, માં કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વિવિધ સ્વરૂપે અનેક પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવેલ જેમાં સર્વ સમાજને તેમજ સમાજ જીવના સર્વ વડીલોને રાજકારણથી પર ઉઠીને સાથે લઇને વિવિધ કામગીરીઓ કરવામાં આવલ જેમાં લોકડાઉન-૧ દરમ્યાન શહેરમાં વસતા ગરીબ અને શ્રમિક લોકો માટે તા. ર૬-૩-ર૦ થી તા. ૧૪-૪-ર૦ સુધી લોહાણા મહાજન વાડી ખાતે એક રાહત રસોડુ ચાલુ કરીને કોઇપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર ૧,ર૦,૦૦૦ જેવા બાંધવોને જમાડવામાં આવેલ.

લોકડાઉન -ર દરમ્યાન ૧ર૮૦ સંપૂર્ણ રાશનકીટ દરેક સમાજના જરૂરીયાતમંદ વ્યકિતઓ સુધી વિતરણ કરવામાં આવેલ તેમજ લોકડાઉન-૩ દરમ્યાન હોમીયોપેથીક દવા (રોય પ્રતિકારક શકિત વધારવા માટે દવા)નું વિતરણ કોડીનારના ૬પ૦૦ ઘરે અંદાજે ૪૦,૦૦૦ જેટલી વ્યકિતઓને દવા પહોંચતી કરી માનવતા ભર્યુ કાર્ય કરવામાં આવ્યું હતું.

શહેરની સાથોસાથ તાલુકાના રપ થી ૩૦ ગામડાઓમાં પણ સરપંચો તથા સ્થાનીક વડીલોની સેવા લઇને ૧,૧પ,૦૦૦ જેવા વ્યકિતઓ સુધી દવાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ લોકડાઉન-૪ દરમ્યાન આયુષ્ય મંત્રલયના વૈદ્ય રાજેશભાઇ કોટેચાના માર્ગદર્શન તેમજ ગાઇડ લાઇન મુજબ સમગ્ર શહેરમાં ૪૦,૦૦૦ વ્યકિતઓને સતત પાંચ દિવસ સુધી આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કપરા સમય દરમ્યાન કોડીનારની પ્રજાની તકલીફોને વાચા આપવા માટે પોલીસ તંત્ર, મામલતદાર કોડીનાર, ચીફ ઓફીસર, કોડીનારના પ્રેસ મીડીયાના મિત્રો વિગેરે સાથે સંપૂર્ણ સંકલન કરી યોગ્ય રજૂઆતો કરી અનેક નમુનારૂપ કામગીરી કરવામાં આવેલ હતી.

આ સમય દરમ્યાન કોડીનાર નગરપાલીકાના પ્રમુખ હાજી રફીકભાઇ જુણેજ, ઉપપ્રમુખ સુભાષભાઇ ડોડીયા, નગરપાલીકાના ચૂંટાયેલા તમામ સભ્યો તેમજ કોડીનાર કોંગ્રેસ શહેર પ્રમુખ કૌશિકભાઇ  ઉપાધ્યાય, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નાનુભાઇ સાગર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઇ ડોડીયા, સંજયભાઇ જોષી, ગોપાલભાઇ છગ વગેરેએ પણ શહેરની સુખાકારી માટે રાજકરણ ને દૂર રાખી એક ટીમના ભાગરૂપે કાર્ય કરેલ છે. કોડીનારમાં લોકડાઉનના કપરા સમયમાં સરાહનીય કામગીરી કરનાર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઇ વિઠલાણીએ જણાવ્યા મુજબ તમામ સેવાકીય કાર્યોમાં કોડીનાર શહેર તથા તાલુકામાં વસતા અનેક દાતાઓએ રૂપિયા ૧૮ લાખ જેવી રકમ દાનમાં આપી હોવાનું અને શહેરના હિન્દુ - મુસ્લીમ ભાઇઓએ કોડીનારની એકતા અને ભાઇચારાને શોભે તેવો સહકાર આપી આ સેવાકીય પ્રવૃતિને મજબૂતાઇ બક્ષી હોવાનું જણાવ્યું હતું.

કોડીનાર તાલુકાભરમાં હિન્દુ-મુસ્લિમ દરેકને સાથે લઇન લોકડાઉનમાં સતત સેવાકીય પ્રવૃતિઓ કરનાર કોડીનાર ચેમ્બર્સના પ્રમુખ હરીભાઇ વિઠલાણીની કામગીરીને સર્વ સમાજે નોંધ સાથે આવકારી હતી, જેમાં કોડીનારના બે વડીલ આગેવાનો અમુબાપા જાની અને કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ ભીખુમીયાબાપુ કાદરીએ હરીભાઇ વિઠલાણીને વિશેષ આર્શીવાદ પાઠવ્યા હતાં.

(11:26 am IST)