Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના તમામ મંદિરો ૮મી જુનથી દર્શનાર્થીઓ માટે ખુલશે

ગીરસોમનાથ તા. ૪ : સરકારશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી ભાલકા મંદિર, શ્રી રામ મંદિર, શ્રી અહલ્યાબાઇ મંદિર,  શ્રી ભીડીયા મંદિર, શ્રી ગીતા મંદિર  શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું શ્રી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર તા.૮ જુનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. સરકારની સુચના અને માર્ગદર્શન મુજબ કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે પ્રકારની તકેદારી રાખીને શ્રી સોમનાથ મંદિરમાં દર્શન ખોલવામાં આવશે.

મંદિરમાં દર્શનનો સમય મર્યાદીત રહેશે સવારે ૭-૩૦ થી ૧૧-૩૦ તેમજ બપોરે ૧ર-૩૦ થી ૬-૩૦ સુધીનો રહેશે. સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે આરતીમાં કોઇપણ શ્રદ્ધાળુને પ્રવેશ આપવામાં આવશે નહી. સોમનાથ ટ્રસ્ટ, વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા દર્શન માટેના નિયમો નકકી કરેલ છે તે પ્રમાણે દરેક ભકતોએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, પોતાનું ટેમ્પરેચર પણ ચેક કરાવવાનું રહેશે, તેમજ સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવાનું રહેશે. દર્શનની લાઇન માટે જે સોશ્યલ ડીસ્ટન્સના રાઉન્ડ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે જ લાઇનમાં ચાલવાનું રહેશે. બહારથી જે પણ ફુલો, પ્રસાદી, સામગ્રી સાથે લઇને આવે તે મંદિરના નકકી કરેલ જગ્યાએ જ પધરાવવાના રહેશે. દર્શનની લાઇનમાં સતત ચાલતા રહેવું જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે દર્શન થઇ ગયા બાદ કયાંય ઉભા ન રહેતા સીધા બહારની તરફ નીકળવાનું રહેશે.

મંદિરમાં દર્શનનો સમય મર્યાદિત હોય સૌ લોકો તે પ્રમાણે ભીડ ન થાય તેવી રીતે જ દર્શન માટે આવે. જેથી સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તા.૮ જુનથી ૩૦ જુન સુધી શ્રદ્ધાળુઓના માર્ગદર્શન મદદ માટે હેલ્પ ડેસ્ક પણ મંદિર પાસે રાખવામાં આવશે. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગની ટીમ માર્ગદર્શન માટે ઉપસ્થિત રહેશે.

(1:51 pm IST)