Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ધ્રાંગધ્રા શહેરમાં જોખમી પ્રદુષિત ઘન કચરાનાં નિકાલનુ ડમ્‍પીંગ યાર્ડ બંધ નહી થાય તો આંદોલન

પ્રદૂષિત કચરો જન આરોગ્‍યને ગંભીર અસર કરે તે પહેલા તંત્ર ભગેઃ ધારાસભ્‍ય નૌશાદ સોલંકી

સુરેન્‍દ્રનગર, તા.૪: ધ્રાંગધ્રા નગરપાલિકા હદ વિસ્‍તારમાં ધ્રાંગધ્રા-હરીપર-માલવણ- અમદાવાદ હાઇવે ઉપર કલ્‍પના ચોકડીની પાસે ધ્રાંગધ્રા શહેરનો અંત્‍યંત પ્રદુષિત દ્યન કચરો એકત્રીત કરવાની ડમ્‍પ સાઇટ બનાવવામાં આવેલ છે. આ ડમ્‍પ સાઇટમાં અંત્‍યંત પ્રદુષિત દ્યન કચરો આડેધડ ફેંકવામાં આવી રહ્યો છે. તેમજ તેના ઢગલાઓ કરી સળગાવવામાં આવી રહેલ છે, જેથી સમગ્ર વિસ્‍તારમાં પ્રદુષણની તેમજ મહામારીની મોટી આશંકા ઉભી થયેલ છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમો અને જોગવાઇઓની પણ ખુલ્લેઆમ ગુન્‍હાહિત અવહેલના કરવામાં આવી રહેલ છે.

આ અંગે ધારાસભ્‍ય નૌસાદ સોલંકીએ ચિફ ઓફિસરને રજૂઆત કરી છે કે આ ડમ્‍પ સાઇટની નજીકમાંજ ગરીબ અનુ.જાતિના જનસમુદાયો તેમજ અન્‍ય પછાત જાતિઓના જનસમુદાયો વસવાટ કરી રહ્યા છે, અને તેથી ઇરાદાપૂર્વક ડમ્‍પ સાઇટ માટે આ જગ્‍યા પસંદ થયેલ છે તેવો આક્રોશ સ્‍થાનિક લોકો વ્‍યકત કરી રહ્યા છે. આથી જો તાત્‍કાલીક અસરથી આ ડમ્‍પ સાઇટને શહેરથી દુર કોઇપણ પ્રકારની માનવ વસાહતોથી દુર સ્‍થળાંતરીત કરવામાં નહી આવે તો સ્‍થાનિક લોકો કાયદો હાથમાં લઇ આ ડમ્‍પ સાઇટ બંધ કરાવશે તેવી આશંકા છે. આમ થવાથી તેના ગંભીર પરીણામો ધ્રાંગધ્રા શહેરમાં જોવા મળશે. ધ્રાંગધ્રા શહેરના લોકોના સ્‍વાસ્‍થય તેમજ પર્યાવરણ સામે ડમ્‍પીંગ સાઇટનુ આ કંમ્‍પોઝ ગ્રાઉન્‍ડ એક મહાસમસ્‍યાના રૂપમાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી રહેલ છે, અને ભવિષ્‍યમાં આ ડમ્‍પીંગ સાઇટની આજુબાજુ વસવાટ કરતા સમુદાયોને સ્‍થળાંતરીત કરવા ફરજ પડશે. આથી આ સમગ્ર પ્રશ્ને ખુબજ ગંભીરતા દાખવી તાત્‍કાલીક અસરથી આ ડમ્‍પીંગ સાઇટ ઉપર નવો ધન કચરો એકત્રીત કરવાનુ બંધ કરવુ તેમજ આ ડમ્‍પ સાઇટને માનવ વસાહતોથી દુર કરવા જરૂરી પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે. જો કોઈ નક્કર પગલાં ભરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

(1:44 pm IST)