Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના સ્થળોએ સેકડો દિવ્યાંગોને રેલ કન્સેશન મેળવવામાં મુશ્કેલી

રાજકોટ તા.૪: કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા અને તેમની મુશ્કેલીઓ નિવારવા વિવિધ યોજનાઓ અમલમાં મુકાય છે. જેમાં રેલ્વેમાં મુસાફરી માટે દિવ્યાંગ અને તેની સાથે રહેલા સહાયકને ૭૫ % સુધી ભાડામાં માફી આપવામાં આવે છે.

આ કન્સેશન માટેનું કાર્ડ મેળવવા માટે રેલ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નીચેના દસ્તાવેજો નજીકના રેલ્વે ડીવીઝનના વાણીજય વિભાગમાં આપવાના હોય છે.

૧. પ્રમાણીત ડોકટર દ્વારા અપાયેલ કન્સેશન સર્ટીફીકેટ

૨. ફોટો આઇડેન્ટીટી પ્રુફ

૩. જન્મ તારીખનો દાખલો

૪. એડ્રેસ પ્રુફ

પ. બે પાસપોર્ટ સાઇઝ ફોટા

રાજકોટ ડીવીઝનમાં ઉપરના દસ્તાવેજો ઉપરાંત જીલ્લાની સિવિલ હોસ્પિટલ દ્વારા અપાયેલ અપંગતાનું સર્ટીફીકેટ પણ માગવામાં આવે છે. આ સર્ટીફીકેટ હવે ઓનલાઇન અને આધારકાર્ડ સાથે લીન્ક થયેલ છે. ઉપરાંત તેમાં બારકોડ આપવામાં આવેલ હોય છે. બારકોડેડ સર્ટીફીકેટ હોવાથી તેમાં જે તે હોસ્પિટલ ના સહિ સીક્કાની જરૂર રહેતી નથી.

રાજકોટ ડીવીઝનમાં દિવ્યાંગો જયારે કન્સેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો આપવા જાય છે ત્યારે તેમની પાસે સિવિલ હોસ્પિટલનું સહિ સીક્કાવાળુ સર્ટીફીકેટ માંગવામાં આવે છે જેની રેલમંત્રાલયના પરીપત્ર પ્રમાણે જરુર જ નથી. છતાંપણ હજારો દિવ્યાંગોને આ માટે ધક્કા ખવડાવીને હેરાન કરવામાં આવી રહયા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકાની સિવિલ હોસ્પિટલોમાં આ સર્ટીફીકેટ પર સહિ સીક્કા નથી કરી આપવામાં આવતા જયારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરી આપવામાં આવે છે. તેના લીધે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો દિવ્યાંગો આ સરકારી લાભથી વંચિત રહે છે.

(3:59 pm IST)