Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સુરેન્દ્રનગરનો ૮ વર્ષનો નાનકડો પંથ કોરોના સામે લડવાનો લોકોને બતાવે છે 'પથ'

પરિવારના લોકોને કોરોના થતાં અલગ રૂમમાં આઈસોલેટ થયેલા નાનકડા પંથ રાવલે ચિત્ર દ્વારા લોકોને 'ઘરમાં રહેવા, સુરક્ષિત રહેવા'નો આપ્યો સંદેશ

સુરેન્દ્રનગર, તા. ૪: કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર અસરકારક ઉપાય છે, 'ઘરે રહો, સુરક્ષિત રહો'સરકારની સાથે આ વાત વિવિધ ધર્મ - સમાજના વડાઓ, શ્રેષ્ઠીજનો આપણને સમજાવી રહયાં છે. આવી જ કઈંક વાત આપણને માત્ર ૮ વર્ષનો નાનકડો બાળવીર કહે તો ? અને એ પણ બોર્ડ ઉપર કોરોના વાયરસનું ચિત્ર દોરીને. તો આપણને આનંદાશ્વાર્ય જરૂર થાય કે આટલા નાના બાળકને પણ ખબર પડે છે કે, દ્યરે રહેવાથી કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.

આજે વાત કરવી છે સુરેન્દ્રનગરમાં રહેતા આવા જ એક નાના બાળવીર પંથ રાવલની...

ડોકટર માતા - પિતાના પુત્ર એવા પંથમાં નાનપણથી આરોગ્ય માટે સવિશેષ સમજ કેળવાયેલી છે. તેમાં પણ કોરોનાના આ સંક્રમણના સમયમાં પંથ તેના ડોકટર માતા - પિતાને કામ કરતાં જોતો. પરિવારમાં કોરોના બાબતે થતી ચર્ચા તે સાંભળતો અને તેના નાનકડા મગજમાં એ વાત ફિટ બેસી ગઈ કે કોરોનાને જો હરાવવો હોય તો આપણે સૌ એ ઘરમાં જ રહેવું જોઈએ.

કોરોનાના આ સંક્રમણના સમયમાં પંથની માતા ડો. નિશા રાવલની સાથે તેમના પરિવારના અન્ય સદસ્યોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો. પંથ કોરોના સંક્રમીત ન થાય તે માટે તેને તુરંત જ પરિવારના આ સદસ્યોથી દૂર અન્ય રૂમમાં રાખવામાં આવ્યો. અલગ રૂમમાં પંથને એકલું ન લાગે તે માટે તેને મનગમતા રમકડાંની સાથે લખવા - ડ્રોઈંગ કરવા માટે બોર્ડ અને પેન પણ આપવામાં આવ્યા. જેના કારણે તે તેની મનગમતી પ્રવૃત્ત્િ। - કાર્ય કરી શકે.

અંગ્રેજી માધ્યમમાં થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણતા પંથને તેનો આ એકાંતવાસ પસંદ નહતો, તેને તેના પરિવારજનો સાથે તોફાન - મસ્તી કરવા હતા, પરંતુ આ પરિસ્થિતિમાં તે શકય નહતા. અને તેથી જ તેણે તેના બોર્ડમાં કોરોના વાયરસનું ચિત્ર બનાવી કોરોના વાયરસ પ્રત્યેનો તેનો અણગમો વ્યકત કર્યો. કોરોના વાયરસના આ ચિત્ર નિચે તેણે લોકોને કોરોના સામેની લડાઈમાં જીતવા માટેનો સંદેશ આપતાં અંગ્રેજીમાં લખ્યુ કે, ‘‘INDIA FIGHTS AGAINST CORONA, STAY HOME AND STAY SAFE’’

કહેવત છે કે, 'મોરના ઈંડા ચિતરવા ન પડે'આ કહેવતને નાનકડા પંથ રાવલે કોરોના સામે લોકોને બચવા માટેના તેના ઉચ્ચ વિચારો થકી સાચા અર્થમાં યથાર્થ સાબિત કરી બતાવી છે.

(11:48 am IST)