Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભચાઉના યુવકને કોરોનાઃ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં હતો દાખલઃ દર્દી હાલ અમદાવાદ

યુવકના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી આઈસોલેટ-ક્વૉરન્ટાઈન કરવા કામગીરી શરૂ

 

ભુજઃ વાગડમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં ભચાઉના 36 વર્ષના એક યુવકને કોરોના હોવાનું બહાર આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે

 . જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું કે, ભચાઉના ભટ્ટપાળીયા વિસ્તારમાં રહેતો યુવક દારૂ પીવાના કારણે લિવરની સમસ્યાથી પીડાતો હતો. તેને ગાંધીધામમાં ડૉક્ટર મોરખીયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ગઈકાલે તેને ગાંધીધામથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. અમદાવાદમાં તેનું સેમ્પલ લેવાતાં રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

 પોઝીટીવ રીપોર્ટના પગલે હાલ ભચાઉ અને ગાંધીધામમાં તાલુકા હેલ્થ ઑફિસરોની ટીમ સર્વે માટે દોડી ગઈ છે. યુવકના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી આઈસોલેટ-ક્વૉરન્ટાઈન કરવા કામગીરી શરૂ કરાઈ છે.

(12:15 am IST)