Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સૌરાષ્ટ્રના ગ્રીન ઝોનમાં રહેલ તમામ પાંચેય જીલ્લામાં બપોર સુધીમાં એકપણ એસ.ટી. બસ ઉપડી નહીં : વડી કચેરીએ કોઇ આદેશો જ ન કર્યા

રાજકોટ, તા. ૪ :  સતત ૪૦ દિવસથી રાજયની થંભી ગયેલી સાડા આઠ હજારથી વધુ એસટી બસો પૈકી અંદાજે ૭૦૦ જેટલી બસો જિલ્લાઓમાં દોડાવવાનું શરૂ કરવાનો રાજયના મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના જણાવ્યાં પ્રમાણે, ગ્રીન ઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં પ૦ ટકા એટલે કે ૩૦ મુસાફરો વહન કરી શકશે. જો આનાથી વધુ મુસાફરો વહન કરતા પકડશે તો ડ્રાઇવર અને કંડકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રીનઝોન વિસ્તારો પુરતા આંતરજિલ્લા અને જિલ્લાની  આંતરિક બસ સેવાઓ શરૂ થશે. એસટી નિગમના અધિકારીઓએ જણાવ્યું કે, ગ્રીન ઝોન જિલ્લામં કુલ ૧૪ જેટલા એસટી ડેપોની અંદાજે ૭૦૦ જેટલી બસો થાય છે. આ બસને જિલ્લાની અંદર ચલાવવા અમે તૈયારી કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રીન ઝોનમાં સરકારે મોરબી, અમરેલી, પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકાનો સમાવેશ કર્યો છે.

દરમિયાન આજ સવારથી બપોરે ર વાગ્યા સુધીમાં ઉપરોકત એકપણ જીલ્લામાં એસટી બસ ઉપડી ન હતી, ૧૪ જેટલા એસટી ડેપોની ૭૦૦ બસ હાલ એમને એમ પડી રહી છે, વડી કચેરીએ કોઇ સુચના નહીં આપતા ડેપો મેનેજર કે ડિવીઝનલ નિયામકે બસો ઉપાડવાનો ડ્રાઇવર-કંડકટરોને આદેશો કર્યા નથી.

(4:17 pm IST)