Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

બ્રાસ સીટી જામનગરમાં નવી ગાઇડલાઇન મુજબ ત્રણેય ઉદ્યોગોમાં ઇમ્પોર્ટ-એકસપોર્ટ કરતા યુનિટો ધમધમતા થયાઃ ગોંડલમાં ટ્રાફિક જામ

જામનગરઃ આજથી ગ્રીન ઝોનમાં સામેલ થતા બજારોમાં ધમધમાટ જોવા મળ્યો હતો. આજે સવારથી જ લોકડાઉન વચ્ચે અનાજ કરીયાણાની દુકાનો ઉપરાંત વિવિધ ધંધા-રોજગાર ધમધમતા જોવા મળ્યા હતા બ્રાસ સીટી ગણાતા જામનગરમાં નવી ગાઇડલાઇન આવતા શહેરના ત્રણેય ઉઘોગમાં ઇમ્પોર્ટ એકસપોર્ટ કરતા યુનિટો શરૂ થયા છે. બ્રાસપાર્ટ ને લઈને દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવેલા જામનગરમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનને લઈને ઉઘોગ બંધ હતું. જામનગરમાં એક બાળકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગરનો ઓરેન્જ ઝોનમાં સમાંવેશ કરવામાં આવ્યો હતો. રવિવારે મોડીરાત્રે જામનગરને ગ્રીન ઝોનમાં સામેલ કરાતા ફરી આજથી ઉઘોગમાં ચહલ પહલ જોવા મળી હતી. જામનગરમાં આવેલ શંકર ટેકરી ઉઘોગ નગર, દરેડ પાસે આવેલ જી.આઈ.ડી.સી.ફેસ-૨ અને ૩ ઉપરાંત એમ.પી.શાહ ઉઘોગ નગરમાં આવેલા બ્રાસપાર્ટના ઈમ્પોર્ટ એકસપોર્ટ કરતા યુનિટો શરૂ થયા છે. લોકડાઉનને કારણે પરપ્રાંતીય મજૂરો પોતાના વતનમાં જતા હાલ કારીગરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે દિલ્હી,બોમ્બે લોકલ માલ મોકલતા બ્રાસપાર્ટના એકમો હાલ પણ બંધ જોવા મળી રહ્યા હતા. અને એકલ-દોકલ એકમો સાફ-સફાઈ માટે ચાલુ થયા હોવાનું પણ ઔઘોગિક વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. ગોંડલમાં પણ સવારે છુટછાટ મળતા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક જામ થયો હતો.(અહેવાલઃ મુકુંદ બદિયાણી.જામનગર) (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર- ભાવેશ ભોજાણી.ગોંડલ)

(2:47 pm IST)