Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સરકારની છૂટછાટ પછી હવે કલેકટરના જાહેરનામાએ કચ્છમાં સર્જી મૂંઝવણ

સતત બીજા જાહેરનામામાં પણ કલેકટરતંત્રએ સર્જેલી અસ્પષ્ટતાને કારણે સરકારની સંવેદનશીલતાભરી છૂટછાટ અંગે વ્યાપારીઓમાં ધૂંધવાટ, ૫૧ વ્યાપારી સંગઠનો ધરાવતી ભુજ ચેમ્બર કલેકટરને મળશે

(ભુજ) લોકડાઉન દરમ્યાન શ્રમિક વર્ગના ધૂંધવાટ બાદ હવે સ્થાનિક કલેક્ટરતંત્રની અસ્પષ્ટતાને કારણે કચ્છમાં વ્યાપારી વર્ગમાં ધૂંધવાટ વધી રહ્યો છે. રાજ્ય સરકારે ઓરેન્જ ઝોનમાં આપેલી છૂટછાટ અંગે કચ્છમાં કલેક્ટરતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા અસ્પષ્ટ જાહેરનામાએ અનેક મુંઝવણો સર્જી હતી. છેલ્લા ૪૦ દિવસથી ધંધા રોજગાર વગર આર્થિક મુશ્કેલીમાં ઘેરાયેલા અનેક નાના ધંધાર્થીઓ, રિટેઇલ વ્યાપારીઓ સતત શું કરવું તે અંગે મીડીયા પૂછતા રહ્યા હતા. તે દરમ્યાન સ્થાનિક કચ્છના મીડીયાએ આ બાબતે વ્હોટેસ ગ્રુપમાં કલેકટરતંત્રનું ધ્યાન દોર્યા બાદ જાહેરનામું તો મુકાયું પણ એમાં ઘણી અસ્પષ્ટતા હોઈ એ અંગે પત્રકારોએ પૂછપરછ કર્યા બાદ પણ કલેક્ટરતંત્ર દ્વારા કોઈ ખુલાસો કરાયો નહોતો. પરિણામે વ્યાપારીઓમાં ગૂંચવણ યથાવત રહેતાં મૂંઝવણ સાથે ધૂંધવાટ વધ્યો હતો. આથી અગાઉ પણ જાહેરનામાની અસ્પષ્ટતા બાદ વ્યાપારીઓને દુકાન બંધ કરાવવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવતા જે તે સમયે પણ વ્યાપારીઓ માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી. તો, ભુજ એપીએમસીમાં પણ સતત ઘર્ષણ ચાલુ રહેતા વ્યાપારીઓએ એક દિવસ હડતાલ પાડતા અંતે બેઠક કરી સમાધાન કરાયું હતું. આજે, ૫૧ વ્યાપારી સંગઠન સાથેનું કચ્છ ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ જાહેરનામા બાબતે અને અન્ય કયા કયા ધંધાર્થીઓ વ્યવસાય ચાલુ રાખી શકશે તે અંગે સ્પષ્ટતા જાણવા માટે કલેકટર પ્રવીણા ડીકે ને મળશે.

(12:20 pm IST)