Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કચ્છમાં રેણુકા સુગર મિલની પરવાનગી રદ્દ, નિયમભંગ બદલ કાર્યવાહી

આમ પ્રજા કડક નિયમોનું પાલન કરવા મજબૂર પણ ઉદ્યોગોને અપાયેલી છૂટછાટ ભારે પડશે?, મુન્દ્રાના કોરોના પોઝિટિવ ક્રુ મેમ્બરને પ્રવાસ પાસ આપતા પૂર્વે મુંબઈમાં શા માટે તપાસ ન કરાઇ?

(ભુજ) લોકડાઉન દરમ્યાન સરકાર દ્વારા નિયમોનું પાલન અને છૂટછાટ બંનેમાં મોટે ભાગે આમ પ્રજા પીસાઈ રહી છે. જ્યારે ઉદ્યોગોને અપાયેલી છૂટછાટ ભારે પડી શકે છે. મુન્દ્રામાં અદાણી પોર્ટ ઉપર ડ્યુટી જોઈન કરવા મુંબઈથી આવેલા ક્રુ મેમ્બરને પ્રવાસ પાસ આપતા પહેલા મુંબઈમાં તપાસ ન કરાઇ અને કચ્છમાં તે કોરોના પોઝિટિવ ડિકલેર થયો. હવે, કચ્છમાં તેના કારણે ૬૧ જણાને ક્વોરેન્ટાઈન કરવા પડ્યા. તો, ઉદ્યોગોને અપાયેલી પરમીશન વચ્ચે આદિપુર નજીક ભારાપર ગામે આવેલ જાણીતી સુગર મિલની પરવાનગી નિયમભંગ બદલ રદ્દ કરવી પડી છે. અંજારના ડે. કલે.ની ચેકીંગ દરમ્યાન રેણુકા સુગર કંપનીમાં એક જ વાહનમાં સોશ્યલ ડિસ્ટનિંગ પાળ્યા વગર ૧૯ કામદારોને બેસાડવામાં આવ્યા હતા, કોઈ પણ કામદારને કંપનીએ માસ્ક આપ્યો નહોતો, તેમ જ થર્મલ ગનથી માત્ર ઔપચારિક રીતે જ ચેકીંગ કરાતું જોવા મળ્યું હતું. તો, અંદર પ્રોસેસ હાઉસમાં તેમ જ બહાર ટ્રક ડ્રાઈવરો સહિત કોઈને પણ માસ્ક અપાયા નહોતા. સેનિટાઈઝેશનની પ્રક્રિયા પણ કરાતી નહોતી. જોકે, બધા જ નિયમોનો ભંગ કરનાર રેણુકા સુગર મિલે ૨૮/૪ ના અપાયેલ કારણદર્શક નોટીસને પણ ઘોળીને પી ગઈ હતી. અંતે કલેકટરે પરવાનગી રદ્દ કરી ફરી નોટિસ ફટકારી કોવિડ ૧૯ ગાઈડલાઈન તળે જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે. જોકે, આ મુદ્દે લોકોના મનમાં શંકા વ્યક્ત થઈ રહી છે કે, ઉદ્યોગોને છૂટછાટ ભારે પડશે?

(12:19 pm IST)