Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિંછીયાના અમરાપુર પાસે બે બાઇક સામસામે ટકરાતા કોટડાના મનસુખભાઇ કોળીનું મોત

અન્ય બાઇક સ્વાર વિકાસ તથા તેની પાછળ બેઠેલ હિતેષ કોળીને ઇજા થતા રાજકોટ ખસેડાયાબે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતા કોળી પરિવારમાં અરેરાટી

 વિંછીયા તા. ૪ : વિંછીયા તાલુકાના અમરાપુર ગામના પાટિયા નજીક બે મોટર સાયકલ સામ-સામા ધડાકા ભેર ટકરાતા બાઇક ચાલક કોળી યુવાનનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. જયારે અન્ય બાઇક ચાલક સહિત બેને ઇજા થતા દવાખાને ખસેડેલ છે

મળતી હકીકત મુજબ કોટડાના મનસુખ જેરામભાઇ જોગરાજીયા કોળી ઉ.૩પ તથા સામે વિકાસ ભીમજીભાઇ ધરજીયા કોળીના ફુલ સ્પીડે  સામ-સામે આવતા મો.સા. ધડાકા ભેર ટકરાતા બંને બાઇક ચાલકોને ઇજા થતા વિંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડેલ જયાં બંને ચાલકને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરતા માથાના ભાગે ગંભીર હેમરેજ જેવી ઇજાના લીધે મનસુખભાઇએ રસ્તામાં દમ તોડી દેતા મૃત્યુ થયુ હતું.

જયારે અન્ય બાઇક ચાલક વિકાસને મુઢ ઇજા તથા તેની પાછળ બેઠેલા હિતેષ ગોરધનભાઇ કોળી કુમારખાણિયા બંને રહે. અમરાપુર તા.વિંછીયાને સામાન્ય ઇજા થયેલ છે

મૃતક યુવાન મનસુખભાઇ ખેત મજુરી કરી ગુજરાત ચલાવતો સંતાનમાં બે દિકરા હોવાનું જણાવાય છે. બનાવની વધુ તપાસ વિંછીયા પોલીસના જેઠાભાઇ ટમાણીયા, ચલાવે છે.

(11:48 am IST)