Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભુજમાં કોરોના યોધ્ધાઓને બિરદાવતી ભારતીય નૌસેના મિલીટરી સ્ટેશનના અધિકારી દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

ભુજ, તા.૪: કોવીડ-૧૯ મહામારીના સંક્રમણને અટકાવવા આગળની હરોળમાં દિવસ રાત જોયા વગર ઝઝુમી રહેલા કોરોના યોધ્ધાઓનું આજે દેશની સશ સ્ત્ર સેના દ્વારા સન્માન કરાયું હતું. ભારતીય હવાળદળ દ્વારા વિવિધ શહેરોમાં ફૂલવર્ષા કરીને આ યોધ્ધાઓને બિરદાવવામાં આવ્યા હતા. તો કયાંય સેનાના બેન્ડ દ્વારા સંગીતની સુરાવલીઓ વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું.

ભુજમાં પણ ભુજ મિલીટરી સ્ટેશન દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ મિલીટરી સ્ટેશનના સ્ટાફ ઓફિસર લેફ.કર્નલ સનલકુમાર અને આર્મી મેડિકલ કોર્પ્સના મેજર સંદીપ દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલનાં તમામ ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતનાં કર્મચારીઓને તેમની આ એક યોધ્ધા તરીકેની કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હતા.

આર્મીના અધિકારીઓ દ્વારા કર્મવીર યોધ્ધાઓના આ ઉમદા કાર્યમાં મનોબળ જળવાઇ રહે તે માટે મિઠાઇની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સીવીલ સર્જન ડો.કશ્પય બુચ સહિત જી.કે.જનરલ હોસ્પિટલની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

આ તકે પોલીસ સેવાને પણ આ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. સરહદ રેંજના આઇ.જી.શ્રી સુભાષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સોનું સન્માન કરતા લેફ.કર્નલશ્રી સનલકુમારે જણાવ્યું હતું કે, દેશની ૧૫૦ કરોડની આબાદીને કોરોના સંક્રમણથી બચાવવા માટે પોલીસ તંત્ર ખુબજ નિષ્ઠાથી કામ કરી રહયું  છે. આ ઉપરાંત પશ્યિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભ તોલંબીયાની મુલાકાત લઇને પોલીસનાં જવાનોની કામગીરીને બિરદાવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્રના પડદા પાછળનાં કર્મવીર યોધ્ધાઓનું પણ ભારતીય સેના દ્વારા આ તબકકે સન્માન કરવામાં આવ્યું હતું. લેફ. કર્નલ સનલકુમારે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી.કે.ને મળીને વહીવટી તંત્રની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાણી અને ડીઝાસ્ટર શાખાના મામલતદારશ્રી પ્રજાપતિ ઉપસ્થિત રહયા હતા.

(11:40 am IST)