Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સુરેન્દ્રનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં મુકવા ઉગ્ર માંગણી

સુરેન્દ્રનગર જિલ્લા પોઝિટિવ કેસ ન હોવાથી માંગ : દસાડાના ધારાસભ્યનો જિલ્લા કલેકટરને પત્ર : તંત્ર સામે ઉઠાવ્યા સવાલ : હાલાકીને દૂર કરવા માટેની વિનંતી થઇ

અમદાવાદ,તા.૩ : કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉન દરમિયાન કોરોના પોઝીટીવના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. પરંતુ અર્થતંત્રને કાર્યરત કરવાના ભાગરુપે દેશના વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેચવામાં આવ્યા છે. તે પ્રમાણેની છુટછાટ આપવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે સુરેન્દ્રનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કર્યો છે. આ બાબતને નજર સમક્ષ રાખીને દસાડાના ધારાસભ્ય નૌશાદ સોંલકીએ સુરેન્દ્રનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં મૂકવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે. તેની પાછળના કેટલાંક કારણો પણ રજૂ કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રીન ઝોનમાં મૂકવા માટેના કારણોમાં જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવનો એક પણ કેસ નથી. અને ટેસ્ટીંગના અભાવે ભવિષ્યમાં પણ કોરોના પોઝીટીવ કેસ આવે તેવી કોઇ શક્યતા નથી તેમ તેમણે કહ્યું છે.

           સોંલકીએ વધુમાં કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ અમલી લોકડાઉનનો પણ કોઇ પ્રકારે અમલ થતો નથી. તમામ જાહેર જગ્યાઓ ઉપર સામાન્ય રીતે મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળે છે. ત્યાં કોઇ સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન પણ થતું નથી. રાજયમાં રેડ ઝોનમાં સમાવિષ્ટ ભાવનગર જિલ્લામાં - ૪૭, ગાંધીનગર જિલ્લામાં - ૪૯ , પંચમહાલ જિલ્લામાં - ૩૭, અને બનાસકાંઠા જિલ્લામાં - ૨૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ઓરેન્જ ઝોનમાં સમાવેશ પામેલાં રાજકોટ જિલ્લામાં - ૫૮ કેસો નોંધાયા છે. આમ સરકાર પાસે કોઇ જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં વહેંચવા માટેનું કોઇ તાર્કિક કારણ કે યોગ્ય નીતિનો સ્પષ્ટ અભાવ દેખાય છે. જેથી સુરેન્દ્રનગર જિલ્લાની જનતા છેલ્લાં ૪૦ દિવસથી હાડમારીનો સામનો કરી રહી છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં સમાવી તમામ ધંધાઓ, સેવાઓ પૂર્વવત કરીને જડતાને પડતી હાલાકી દૂર કરવા વિનંતી કરી છે.

(9:46 pm IST)