Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ઉદ્યોગોને પાણી તો ભાવનગરનાં ૧૬ ગામનાં ખેડૂતોને કેમ નહી? જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ તા. ૪ :.. ભાવનગરના ૧૬ ગામના ખેડૂતોને સિંચાઇ માટેના પાણીથી વંચિત રાખવામાં મામલે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી થઇ છે. આ અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારની આકરી ટીકા કરતાં એવી ટીપ્પણી કરી હતી કે, સરકાર ઉદ્યોગોને પાણી આપી શકે છે તો ખેડૂતોને સિંચાઇ માટે પાણી કેમ આપી ન શકે ? તે બાબતે જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. આ કેસની સુનાવણી વેકેશન બાદ મુકરર કરી છે.

નર્મદા યોજના હેઠળ ભાવનગર જિલ્લાના જીવાપુર, વાઘેલા, ધાંધોલ સહિતના ૧૬ જેટલાં ગામડાઓનો સમાવેશ થાય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને વાવણીના સમયે તેમને સિંચાઇ માટે પાણી અપાતું નથી. ગામ તરફ આવતી કેનાલમાં ૩ દિવાલો ઉભી કરવામાં આવી હોવાના કારણે પાણી પહોંચતું નથી. ૧૧૮ કિ. મી.ના આ કેનાલ મારફતે ર૪૦૦ ગ્રામજનોને પીવાનું પાણી અને વલ્લભીપુરમાં રપ૦ થી ૩૦૦ ઉદ્યોગોને પાણી પહોંચાડવામાં આવે છે. પણ ખેતી માટે પાણી આપવામાં આવતું નથી.

સરકાર દ્વારા ૯ મીલીયન એક પર ફીટ પાણીનો જથ્થો આ વિસ્તારને પુરો પાડે છે. જેમાં ૧.૬૬ મીલીયન એકર પર ફીટ પીવા માટે, ૭.૧૪ ખેતી અને ૦.ર૦ ઉદ્યોગો માટે ફાળવવાની જોગવાઇ છે. ત્યારે ઉદ્યોગો ૦.૪૦ મીલીયન એકર પર ફીટ પાણી મેળવે છે.

(11:56 am IST)