Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ખેત ઉત્પાદકોનો ટેકાનો ભાવ પડતર કિંમતથી દોઢ ગણા લેખે અપાશેઃ પરસોત્તમ રૂપાલા

જુનાગઢમાં કિસાન કલ્યાણ મહોત્સવ અને કૃષિ પ્રદર્શન યોજાયું

જૂનાગઢ તા.૪ : જૂનાગઢમાં ખેતીવાડી વિભાગ, આત્મા અને બાગાયત ખાતા આયોજિત અને ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મહોત્સવમાં કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે ખેડુત દેશનો પ્રાણ છે,જયારે ખેતી દેશનો ઉતમ વ્યાવસાય છે.આધુનિક ખેતીના બહુઆયામી પ્રકલ્પોનો ઉપયોગ કરીને પશુપાલનમાં સારી ઓલાદના પશુ રાખી ખેડૂતની  આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના કેન્દ્ર સરકારના નિર્ધારમાં ખેડૂતોની ભૂમિકા મહત્વની છે તેમ જણાવી માત્રી ભાગીયા પર ખેતી છોડી દેવાના બદલે જાતે ખેતી કરવા અને  વેચાતું દુધ લેવાના બદલે ઘરના આંગણે ગીર ગાય જેવી સારી ઓલાદના પશુ રાખવા મંત્રીશ્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોના કલ્યાણ માટે સતત કાૃયરત છે. આઝાદી પછી પ્રથમ વખત ખેડુતોની આવક બમણી કરવાની ઝુંબેશ શરુ થઇ છે, માત્ર વાતો કરવાના બદલે નક્કર આયોજન કરી ખેતીના ક્ષેત્રમાં પુરો અભ્યાસ કરીને અનેક યોજના અમલમાં મુકવામાં આવી છે તેમ જણાવી ખેડૂતોની ખેત પેદાશનો ભાવ પડતર ભાવથી દોઢ ગણો કરવામાં આવ્યો છે, તેની અમલવારી આગામી ખરીફ સીઝનથી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આપણે ત્યા સંયુકત કુટુંબ ભાવના ઓછી થતી જાય છે,નવી પેઢીને ખેતીથી- પશુપાલન દુર કરી નોકરી તરફ જતી સામાજિક સાંપ્રત સ્થિતિની ટકોર કરી ખેતીથી જ ખેડૂતોનું કલ્યાણ થવાનું છે તેમ કહી ઈઝરાયલની જેમ સમુહમાં ગૃપ બનાવીને નાના નાના ખેડૂતો એક સંપ થઇને ઇ-માર્કેટ સાથે ખેતી કરે અને એક અભ્યાસુ, પ્રગતિશીલ ખેડુત તેનું નેતૃત્વ લે તો જ પરિવર્તન આવશે તેમ ઉમેર્યું હતું.

    મંત્રીશ્રી રૂપાલાએ ગ્રામીણ અને હાસ્યરસ ભાષામાં  ખેડૂતોને આધુનિક ખેતી તરફ રસ જાગે, પશુ પાલન તરફ બહેનો પણ ધ્યાન આપે અને આધુનિક ખેતી, ગીર ગાયના દુધના પ્રગતિશીલ ખેડૂત- પશુપાલકોને મળતા ભાવો અને ઓર્ગોનિક ખેતીથી મળતા ભાવો અંગેના અનેક દાખલા આપી ખેડૂતો સંગઠિત થઇ પરંપરાગત ખેતી છોડી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાથી વાકેફ થઇ ટ્રેનીંગ લઇને ખેતી કરે તે માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.લોકોએ ધ્યાનપુર્વક તેમનું પ્રવચન સાંભળ્યું હતું.

મંત્રીશ્રીએ રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનને આવકારી ખેડૂતોને ધોરીયા કાઢી ટપક સિંચાઇ અપનાવવા, બહેનોને ઘરમાં પાણી બચાવવા રસ પડે એ રીતે વાત કરીને જળ શ્રી કૃષ્ણ બોલાવ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઇ ઝડફિયાએ કહયું કે સરકાર ખેડૂતો આગળ આવે અને તેમની આવક બમણી થાય તે માટે પ્રયત્ન કરે છે ત્યારે ખેડૂતોને આધુનિક ખેતી તરફ વળી જાગૃત થવાની જરુર છે. ખેતરમાં રાની પશુની હેરાનગતી હોય તો સમુહમાં કાંટાળી વાડ બાંધવાની સરકારની યોજનોનો લાભ સમુહ ભાવના વિકસાવીને લેવા તેમજ જળ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

પુર્વ કૃષિમંત્રી શ્રી કનુભાઇ ભાલાળાએ જણાવ્યું ખેડૂતો ખેતીમાં ખાતરનો કરકસર પુર્વક ઉપયોગ કેમ કરવો તે જાણે છે પરંતું મોટાભાગે  ખેડૂતો ખેતી ભાગીયાને કરવા આપી દે છે અને દવાનો ઉપયોગ કેમ કરવો તે જણાવતા નથી એટલે યોગ્ય ઉત્પાદન મળતું નથી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે તેમ જણાવી ટપક સિંચાઇ અપનાવવા અનુરોધ કર્યો હતો.

સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ખેડુતો માટે સરકારે અગાઉ કયારેય ન થયા હોય તેવા કામ કર્યા છે તેમ જણાવી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ આધુનિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી ખેડૂતો મુલ્ય વર્ધીત ખેતી માટે પ્રોસાહિત થાય તે માટે વિવિધ યોજના અને નિર્ધાર અંગેની બાબતોની માહિતી આપી હતી.

આ તકે પ્રગતિશીલ ખેડૂત ઉમેશભાઇ દોમડીયા (વડાલ) અને રસિકભાઇ દોંગા( ગલીયાવાડ)એ આધુનિક ખેતી કરવાથી તેમને થયેલ ફાયદા અને આધુનિક ઓજારો અને ઓર્ગેનિક ખેતી કરીને કંઇ રીતે વધારે ઉત્પાદન અને ભાવ લઇ શકાય તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.ચોકીના શારદાબેન ડોબરીયાએ આત્મા દ્વારા મળેલી ખેતી અને પશુપાલનની તાલીમથી થયેલા ફાયદા અંગે માહિતી આપી હતી. આ તકે  જમીન વિકાસ નિગમ દ્વારા ખેડૂતોને ખેતર ફરતે કાંટાળી વાડ મંજુર કરાતા મંત્રીશ્રીના હસ્તે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.

     કૃષિ કાર્યશાળાની બાજુમાં  જ લધુ કૃષિ ભવન, સરદાર બાગ ખાતે કૃષિ  પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.જેમાં બાગાયત, કૃષિ યુનિર્વસીટી,આઇસીડીએસ, સખીમંડળ, આઇસીડીએએસ., દવા અને ખાતર અને આધુનિક ઓજારો તેમજ બીયારણ અંગે ૩૦ થી સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ સાયકલ પર આવીને ગઇકાલે બપોરે ખેડુતોને ઉપયોગી થાય તેવી બાબતોના સ્ટોલ રાખવા અંગે જાતે મોનીટરીંગ કર્યું હતુ.

આ પ્રસંગે મેયર શ્રી આધ્યશકિતબેન મજમુદાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ,શ્રી શશીકાંતભાઇ ભીમાણી, માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ભીખાભાઇ ગજેરા, કલેકટર શ્રી સૌરભ પારધી, શ્રી હરેશ પરસાણા તેમજ કૃષિ યુનિ.ના ડો. પારેખીયા, ખેતીવાડી  અને બાગાયત વિભાગના અધિકારી શ્રી ગઢીયા, શ્રી પરસાણીયા, પ્રાંત અધિકારીશ્રી જવલંત રાવલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડર્તો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.કાર્યક્રમની આભાર વિધિ સયુંકત ખેતી નિયામક શ્રી એમ. એમ. કાસુન્દ્રા અને કાર્યક્રમનું સંચાલન શ્રી મુકુંદ હિરપરાએ કર્યું હતુ.(૨૧.૩)

(9:25 am IST)