Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કચ્છમાં હિટવેવની ચેતવણી જારી : ગરમી વધવાના સંકેત

ગરમી વધવાથી કોરોનાની અસર ઘટે તેવી શક્યતા : રાજયમાં જો ગરમીની અસર વધુ વર્તાય તો તેની અસરના કારણે કોરોનાના ફેલાવાને અટકાવવામાં મદદ મળી શકે

અમદાવાદ,તા. ૪ : કોરોના વાયરસના કહેર વચ્ચે અમદાવાદમાં હિટવેવ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. તાપમાનમાં વધારો થતાં કોરોના વાયરસનો પ્રકોપ ઘટે તેમ પણ કેટલાક લોકો માની રહ્યા છે. જો કે, તાપથી કોરોના સાથે કોઇ લેવા દેવા છે તેને લઇને હજુ સુધી કોઇ રિપોર્ટ આવી શક્યા નથી.

થોડા દિવસ પહેલાના કમોસમી વરસાદ અને માવઠાના માર બબાદ હવે રાજયના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો હવે ઉનાળાની આકરી ગરમીની અસર બતાવી રહ્યો છે. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ પવનોના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીની ઉપર જઇ રહ્યો છે અને આગામી ૪૮ કલાકમાં રાજ્યમાં કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.  જેમાં ખાસ કરીને રાજયમાં ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીની સૌથી વધુ અસર જોવા મળી શકે છે.

             રાજ્યમાં તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. બીજીબાજુ, રાજયમાં જો ગરમીની અસર વધુ વર્તાય તો તેની અસરના કારણે કોરોના વાયરસના સંક્રમણ અને ફેલાવાને અટકાવવા કે નિયંત્રણમાં મદદ મળી શકે તેવી આશા પણ હવે જાગી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરમ્યાન કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજયમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં પણ આ સમય દરમ્યાન ઉનાળાની ગરમીનો પારો વધુ ઉંચો જશે અને બળબળતી ગરમીનો અનુભવ થઇ શકશે. સમગ્ર રાજ્યમાં ભુજ અને રાજકોટ ૪૦ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું છે. જેને પગલે શહેરમાં સવારનાં ૧૦ વાગ્યા બાદ ગરમીનું જોર વધ્યું હતું. તેમજ બપોરનાં સમયે લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો ૧થી ૨ ડિગ્રી વધીને ૪૦.૦ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

(9:39 pm IST)