Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના વાયરસની મહામારી સામે સાવચેતી એ જ મોટો ઉપાયઃ રોજીંદા ખોરાકમાં હળદર, ધાણાજીરૂ,લસણનો ઉપયોગ કરજો

જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર અને આઇપીજી પીએન્ડ રિસર્ચ સેન્ટરનાં ડાયરેકટર ડો. વૈદ્યરાજ અનુપ ઠાકર અને ગુરૂદિપસિંહ દ્વારા રોગ પ્રતિકારક શકિત વધારવાના સૂચનો

જામનગર, તા.૪: કોરોનાના સંક્રમણ સામે બચવા માટે આયુષ મંત્રાલય દ્વારા ૧૬ વૈદરાજોની મદદથી ખાસ ગાઈડલાઈન બનાવવામાં આવી છે. ત્યારે જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર અને આઈ પી જી પી એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેકટર ડો. વૈઘરાજ અનુપ ઠાકર અને ગુરદીપસિંઘ દ્વારા ખાસ રોગપ્રતિકારક શકિત વધારવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.

ડો. અનુપ ઠાકરે જણાવ્યું હતું કે કોરોના વાઇરસની મહામારી સામે સ્વાસ્થ્ય નો બચાવ અને સાવચેતી એ જ મોટો ઉપાય છે. રોજીંદુ દરરોજનું ગરમ પાણીનું સેવન કરવું, ઉજાગરા નહીં કરવા, રોજિંદા અડધી કલાક યોગ પ્રાણાયામ કસરતો કરવા જોઈએ, રોજિંદા ખોરાકમાં હળદર ધાણાજીરું અને લસણનો ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે જેનું સેવન કરવું જોઈએ, આ ઉપરાંત દરરોજ નાકમાં અનુકૂળ હોય તે મુજબનું ગરમ કરેલ ઘી, તલનું તેલ અથવા કોપરેલ (નાળિયેર)તેલ નાખવું જોઈએ જેથી ઈમ્યુનિટી પાવર વધે અને કોરોના સામે રક્ષણ મેળવી શકાય.

કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે તુલસી, મરી, કાળી દ્રાક્ષ, તજ, સુંઠ ઉમેરી સાદા ઉકાળાનું પણ સેવન કરી શકાય, શરદી ઉધરસ જેવું લાગે તો ઘરગથ્થુ ઈલાજ પણ તાત્કાલિક કરવો જોઈએ. ડો. અનુપ ઠાકરે જણાવ્યું હતું કે રોજીંદા સવાર-સાંજ હળદર વાળું દૂધ લેવું જોઈએ.

ભારત સરકારના આયુષ મંત્રાલયમાં દેશભરના જુદા જુદા ૧૬ નિષ્ણાતોની મદદથી ખાસ કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા સૂચનો કરવામાં આવ્યા છે જેમાં જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. અનુપ ઠાકર અને ડો. ગુરદીપસિંઘનો સમાવેશ થાય છે.(તસવીરોઃકિંજલ કારસરીયા,જામનગર) (૨૨.૨૦)

(1:02 pm IST)