Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સસ્તા અનાજની દુકાનોમાં એપીએલ કાર્ડ ધારકોને રાશન મળતુ નથી મધ્યમ વર્ગ મુશ્કેલીમા : લલીત વસોયાનો આક્ષેપ

વિજયભાઇને પત્ર પાઠવીને રેશનકાર્ડ ધારકોને પુરતો પુરવઠો આપવા માંગણી

ધોરાજી,તા.૪ : રાજય સરકારના પુરવઠા વિભાગહસ્તકની સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં રાશન મળતું ન હોવાથી ધોરાજી વિસ્તારમાં ભારે બુમરેેગ મચી જવા પામી છે.

ત્યારે ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને તાત્કાલિક લેખિત રૂપે રજુઆત કરી હતી. અને રજુઆત માં જણાવેલકે ગુજરાતમાં અત્યારે દીનદયાળ ગ્રાહક ભંડાર માં અનાજ અને રાશનનું વિતરણ સરકાર દ્વારા શરૂ કરાયું છે. પરંતુ તેમાં બીપીએલ અને અંત્યોદય ની યાદી માં આવતા કાર્ડ ધારકોને જ રાશન અપાઈ છે. તેમજ ૪૦% કાર્ડ કોઈને કોઈ કારણસર બંધ થઈ ગયા છે. જે જરૂરિયાત વાળા છે તે સરકારી સહાય અને લાભ થી વંચિત રહી જાય છે. હાલમાં બંધ પડેલા તમામ કાર્ડ એકિટવ કરવા અને રાશન આપવા રજુઆત કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને પહેલા પણ રાશન મળતું હતું. ખરેખર જે એપીએલ કાર્ડ ધારકોને નિઃશુલ્ક રાશન પૂરૂ પાડવું જોઈએ. કરોડોનું દાન સરકાર સ્વીકારે છે. અને ભોજન ,રાશન, ફૂડ પેકેટ સામાજિક સંસ્થાઓ વિતરણ કરી રહી છે. તો સરકારે મેળવેલા અબજોના ફંડ માંથી મધ્યમવર્ગીય લોકોને રાશન ન આપી શકાય ? તેવો પ્રશ્ન નાગરિકો ઉઠાવી રહ્યા છે. જે ખુબજ પૈસા પાત્ર છે તેમજ જે અત્યંત ગરીબ છે એ બન્ને કરતા મધ્યમ વર્ગ હાલ પીસાઈ રહ્યો છે. ખેડૂત હોય કે કારીગર વર્ગ બંને મુશ્કેલી વેઠી રહ્યાં છે.

(11:42 am IST)