Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લીંબડી પાસે અકસ્માતઃ ખંભાળિયાના વિપ્ર માતા, પિતા,પુત્ર સહિત પાંચના મોત

લોકડાઉનમાં વાહન વ્યવહાર ઠપ્પ છે ત્યારે સારવાર અર્થે જવાની છૂટ હોય બહાર નિકળ્યા ત્યાં 'કાળ' આંબી ગયો!: કાનપરના પાટીયા પાસે એમપીના બંધ ટ્રક પાછળ મહિન્દ્રા કાર અથડાઇઃ ગાંધીનગર હોસ્પિટલે જતા'તા

(ફઝલ ચૌહાણ-કૌશલ સવજાણી દ્વારા) વઢવાણ-ખંભાળીયા, તા.૪ઃ રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર લીંબડી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા દેવભુમિ દ્વારકા જીલ્લાનાં ખંભાળીયાના બ્રાહ્મણ દંપતિ સહિત પ ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છેે. 'કોરોના' વાયરસના કારણે લોકડાઉનમાં વાહન વ્યવહાર ઠપ્પ છે ત્યારે સારવાર અર્થે જવાની છૂટ છે ત્યારે ખંભાળિયાનો બ્રાહ્મણ પરિવાર અમદાવાદ સારવાર માટે જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા માતા, પિતા, પુત્ર સહિત પાંચનાં મોત નીપજયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળિયાના રાજગોર બ્રાહ્મણ પરિવારની કારને રાજકોટ - અમદાવાદ રોડ પર લીંબડી ગામ પાસે અકસ્માત થતા એક જ વિપ્ર પરિવારના  પતિ-પત્ની તથા  તેમના પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજતા  ખંભાળિયા વિસ્તારમાં વિપ્ર સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.

મૂળ ભાતેલના રહેવાસી  તથા ખંભાળીયા  તાલુકા પંચાયત પાસે રહેતા અને અત્યંત વિદ્વાન બ્રાહ્મણ  કલ્યાણજીભાઇ પરસોતમભાઇ  વોરીયા ઉ.વ. ૭૮ વાળા તેમને કેન્સરની બિમારી  હોય અમદાવાદ સારવાર માટે જવા માટે તેમના કુટુંબીજનની મહેન્દ્ર એસ.યુ.ની  જીજે-૧૦ સીજી ૪૪૩૪ લઇને નીકળ્યા હતા. ત્યારે લીંબડી પાસે કાનપરા ગામ આ કાર રસ્તામાં પડેલ બંધ  ટ્રકમાં પાછળથી ઘુસી જતા  તેમાં બેઠેલા કલ્યાણજીભાઇ વોરીયા તેમના પત્ની કંચનબેન ઉ.વ.૭૪ તથા તેમનો પુત્ર ભરત ઉ.વ.૪૫વાળો ગંભીર ઈજા થતાં મૃત્યુ પામ્યા હતા.

જાણવા મળતી વિગત પ્રમાણે આ કાર લઇને ભરતભાઇ કલ્યાણજીભાઇ  ચલાવતા હતા તથા કાનપરા ખાતે એક ટ્રક બંધ પડેલો ને બગડી જતા તેનો ચાલક કલીનર ટ્રકમા નીચે બેસીને કામ કરતા હતા ત્યારે  આ એસ.યુ.વી. કાર ધડાકા સાથે તેમાં અડધી ઘુસી જવતા આગળ બેઠેલા બે વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે ટ્રકની નીચે કામ કરતા કલીનરનું મોત નિપજ્યુ હતુ અને ડ્રાઇવર તથા કલ્યાણજીભાઇ સાથે કારમાં બેઠેલા તેમના જમાઇ માધવજીભાઇ સવનભાઇ મજાર નામનો યુવાનને પણ ઈજા થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

કલ્યાણજીભાઇને કેન્સર હતું તથા અમદાવાદ સારવાર ચાલતી હોય તેઓ તથા તેમના પત્ની કંચનબેન તથા દીકરો ભરત ગાડી લઇને રાજકોટ તેમની દીકરીને ત્યાં સાંજે ગયા હતા તથા ત્યાંથી રાત્રે જમીને અમદાવાદ જતાં હતા તથા તેમના જમાઇ પણ સાથે ગયા હતા અને આ અકસ્માત થયો. કલ્યાણજીભાઇ સામાન્ય રીતે બસમાં જતા હતા પરંતુ હાલ લોકડાઉન હોય બસ બંધ હોય તેથી કારમાં જતા હતાં. તથા આ ઘટના બની....!!

કલ્યાણજીભાઇ રાજયમંત્રી હકુભાના ગોર હતા

ખંભાળીયાના વતની તથા મુળ ભાતેલના કલ્યાણજીભાઇ પ્રખર વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ હતા તથા રાજયમંત્રી હકુભા જાડેજાના ગોર હતા ત્થા તેઓની અધ્યક્ષતામાં જ નવરાત્રી તથા શ્રાવણ માસમાં ભાતેલમાં યજ્ઞ તથા પુજા થતી હતી.

કલ્યાણજીભાઇ તથા તેમના પત્ની અને પુત્રના મોતના ખબરથી ખંભાળીયા-ભાતેલમાં ભારે શોકનું મોજુ છવાઇ ગયુ હતું બનાવની જાણ થતા ખંભાળીયાના વિપ્ર અગ્રણીઓ દ્વારા કહેવાથી સુરેન્દ્રનગરના વિરેશભાઇ આચાર્ય, રાજકોટના મીલનભાઇ શુકલ વિ. એ લીંબડી બ્રહ્મ સમાજના આગેવાનોને હોસ્પીટલે મોકલ્યા હતાં.

(12:19 pm IST)