Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

શાપર-વેરાવળમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ વેસ્ટ ઓઈલનો જથ્થો અને ટેન્કર બળીને ખાક

રાજકોટ-ગોંડલ તથા જેતપુર ફાયર બ્રિગેડે બે કલાકે આગ કાબુમાં લીધીઃ ૨૪ લાખનું નુકશાન

તસ્વીરમાં આગને કાબુમાં લેતા ફાયર બ્રિગેડનો સ્ટાફ નજરે પડે છે(તસ્વીરઃ કમલેશ વસાણી)

 શાપર-વેરાવળ, તા. ૪ :. રાજકોટની ભાગોળે આવેલ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લાસ્ટિકના કારખાનામા આગ ભભૂકતા વેસ્ટ ઓઈલનો જથ્થો અને ટેન્કર બળીને ખાક થઈ ગયુ હતું. ફાયર બ્રિગેડે બે કલાક બાદ આગ કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં આવેલ રાજન ટેકનોકાસ્ટની બાજુમાં રાજલક્ષ્મી ટ્રેડીંગ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકતા દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા રાજકોટ, ગોંડલ, જેતપુરથી ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લીધી હતી. આ આગમાં વેસ્ટ ઓઈલનો જથ્થો અંદાજે ૫૦ થી ૬૦ હજાર લીટર અને એક ટેન્કર બળીને ખાક થઈ ગયુ હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે સમય સૂચકતાથી એક ટેન્કરને આગમાંથી બચાવી લીધુ હતુ તેમજ આગ વધુ પ્રસરે તે પહેલા કાબુમાં લઈ લીધી હતી. આગનુ કારણ જાણવા મળેલ નથી.

બનાવ અંગે ફેકટરીના માલિક રસીકભાઈ નરભેરામભાઈ આડેસરાએ પોલીસને જાણ કરતા શાપર-વેરાવળ ના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ તથા પીએસઆઈ હરીયાણી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)