Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જુનાગઢમાં મોડી રાત્રે મહિલા પોલીસ કર્મચારી સહિત જવાનોને ફોર્ચ્યુન કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ

સંજય ડોસા સહિત બે શખ્સોએ હત્યાની કરી કોશિષઃ લોકડાઉન બંદોબસ્ત ચેકીંગ દરમ્યાનની ઘટનાથી સનસની

જુનાગઢ તા. ૪: જુનાગઢમાં મોડી રાત્રે લોકડાઉન બંદોબસ્ત વાહન ચેકીંગમાં રહેલા મહિલા પોલીસ કર્મી.  સહિત પોલીસ જવાનોને બે શખ્સોએ ફોર્ચ્યુન કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી હત્યાની કોશિષ કરતા ભારે સનસની સાથે ખળભળાટ મચી ગયો હતો.

આ બનાવમાં સંજય ડોસા સહિતનાં બે શખ્સો નાસી જતાં ેમની સામે ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હાલ કોરોના મહામારીને લઇ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં લોકડાઉનની સફળતા માટે ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને એસપી સૌરભ સિંઘની સુચનાથી પોલીસ સતત ખડેપગે ફરજ બજાવી રહેલ છે.

જુનાગઢમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન નીચે એ, બી, અને સી ઉપરાંત ભવનાથ પોલીસ ફુટ પેટ્રોલીંગ સહિતનાં બંદોબસ્તમાં છે.

રાત્રે સી ડીવીઝનના મહિલા એએસઆઇ ક્રિષ્નાબા ચુડાસમા પોલીસ જવાનો અને લોકરક્ષક દળ સહિનો સ્ટાફ રાત્રે ૧ર વાગ્યાની આસપાસ મધુરમ ગેટ ખાતે ફરજ ઉપર હતા.

ત્યારે જીજે-૦૮-બીએન-૦૦૦૮ નંબરની કાળા કલરની ફોર્ચ્યુન કારમાં જુનાગઢનાં ગાંધીગ્રામનો નામચીન શખ્સ સંજય ડોસાભાઇ કોડીયાતર અને એક અજાણ્યો શખ્સ મધુરમ ગેટ ખાતે આવતા તેમને ફરજ પરના ક્રિષ્નાબા વગેરેએ રોકયા હતા.

પરંતુ કારમાં રહેલા અજાણ્યા શખ્સના ઇશારાથી સંજય ડોસાએ ફોર્ચ્યુન કાર રેસ કરી અને ક્રિષ્નાબા ચુડાસમા સહિતનાં સ્ટાફ ઉપર કાર ચડાવવાની કોશિષ કરી કાર નીચે કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે આ શખ્સોને સમજાવવા અને રોકવાની કોશિષ કરતાં બંને જણા કારમાં બેરીકેટની આડશ તોડીને વંથલી તરફ નાસી ગયા હતાં.

આ અંગેની જાણ થતા પોલીસે નાકાબંધી કરી હતી. પરંતુ આ શખ્સો હાથમાં આવ્યા ન હતા.

આ બનાવ અંગે સી ડીવીઝનનાં પી.એસ.આઇ. એન. કે. વાજાએ પેટ્રોલીંગમાંથી દોડી આવીને સંજય ડોસા સહિત બે શખ્સો સામે પોલીસ કર્મી.ઓની હત્યાની કોશિષ, જાહેરનામા ભંગ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)