Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

ખંભાળિયા તાલુકાની CRC ક્લસ્ટરની તમામ શાળાઓ માટે “શિક્ષણ ગોષ્ઠી-એક ચિંતન શિબિર” યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની CRC ક્લસ્ટરની તમામ શાળાઓ માટે એક “શિક્ષણ ગોષ્ઠી-એક ચિંતન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલાયા કન્યા શાળા, તાલુકા શાળા, બંદર રોડ તા.શા., વાઘેરવાસ તા.શા., સલાયા વાડી શાળા, પરોડીયા પ્રા.શા., પરોડિયા વા.શા., સોડસલા પ્રા.શા. તેમજ વાડી શાળા એમ CRC ક્લસ્ટરની તમામ શાળાઓના આચાર્યઓ, વિદ્યાસહાયક શિક્ષકો, નિમ્ન તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો તેમજ જ્ઞાન સહાયક શિક્ષકો એમ અંદાજે ૧૩૫થી વધુ શિક્ષકો સાથે CRC કોર્ડીનેટર સલાયા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

“શિક્ષણ ગોષ્ઠી-એક ચિંતન શિબિર”માં SOE શાળાના આચાર્યઓ તેમજ PMશ્રી શાળાના આચાર્યઓને બિરદાવવામાં આવ્યા હતા વધુમાં CRC કોર્ડીનેટર સલાયા તેમજ તમામ આચાર્યઓ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતા. આ ચિંતન શિબિરમાં સલાયાનાં વિસ્તારમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યે અભિમુખ વધે તેમજ શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનનો લાભ ૧૦૦% બાળકો સુધી પહોંચે સાથોસાથ તમામ બાળકોને શિષ્યવૃત્તિ તેમજ ગણવેશ મળી રહે તે માટે તમામ બાળકોની DIGITAL GUJARAT PORTAL પર એપ્લીકેશન બાકી હોય તે પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.

વધુમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા તમામ શાળાઓ દ્વારા વિજ્ઞાન દિવસ-પ્રિ-વોકેશનલ ટ્રેનીંગ અંતર્ગત વિવિધ કચેરીઓ, ગૃહ ઉદ્યોગોની મુલાકાત કરવા તેમજ પ્રત્યક્ષ શિક્ષણ આપવા પ્રેરવામાં આવ્યા હતા. આજના ડિજીટલ યુગમાં બાળક માટે આપવામાં આવેલ સ્માર્ટક્લાસનો ઉપયોગ કરવા તેમજ NCERT સિલેબસ આધારિત શિક્ષણ આપવા શક્ય તમામ પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી હતી.

આ શિબિરમાં ઉપસ્થિત તમામ શિક્ષકોનું શાબ્દિક સ્વાગત નૈમિષભાઈ ગણાત્રાએ કર્યું હતું જ્યારે પ્રાસંગિક ઉદ્દબોધન રાણસીભાઈ ગઢવી, સુરેશભાઈ દેસાણી, કિશોરભાઈએ કર્યું હતું. જ્યારે પોતાની આગવી શૈલીમાં શિક્ષણ પ્રત્યે કટીબધ્ધતા દર્શાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ તેમજ CRC હાર્દિક પંડ્યાએ ઉદ્બોધન કર્યું હતું. જ્યારે આભારવિધિ આચાર્ય પુંજાભાઈએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CRC હાર્દિક પંડ્યાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાયાની તમામ શાળાઓના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

   
(8:02 pm IST)