Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ડો. હરિભાઇ ગોધાણી કેમ્પસ ખાતે ભુવા કન્યા વિદ્યામંદિર -જોષીપુર, જૂનાગઢ દ્વારા 'ટોય ફેર -૨૦૨૧'

જૂનાગઢ : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પણ નવી શિક્ષણનીતિ અંતર્ગત ભારતની પરંપરાગત રમકડા અને રમતોને વિશેષ પ્રાધાન્ય આપીને બાળકોની બૌધ્ધિક અને શૈક્ષણીક ક્ષમતાઓને પ્રોત્સાહન મળે તે માટે એક સુદ્રઢ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારશ્રીની આવી ઉમદા નીતિઓને સફળ બનાવવા સંસ્થાના ચેરમેન -મેનેજિંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયા અને જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણીના માર્ગદર્શન હેઠળ ડો. હરિભાઇ ગોધાણી સાયન્સ સેન્ટર દ્વારા પણ 'ટોય ફેર -૨૦૨૧' યોજવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા યોજાયેલ ટોય ફેર -૨૦૨૧નો શુભારંભ સંસ્થાના ટ્રસ્ટી ઉષાબેન ગોધાણી દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જોટાણિયા કૃતિ પ્રફુલ્લભાઇ અને ઢોલરિયા ઉર્વિશા કિરીટભાઇએ ટ્રેન બનાવીને પ્રથમ સ્થાન, સોલંકી હાર્દિક અજયભાઇએ ટ્રક  બનાવીને દ્વિતીય સ્થાન જ્યારે ગુંદણિયા પાર્થ કિરીટભાઇએ પ્રોજેકટર બનાવીને દ્વિતીય સ્થાન તેમજ વઘાસિયા વર્ષા ભરતભાઇએ કરોળિયો બનાવીને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં ભાગ લઇને સંસ્થાના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના અદભુત રમકડાઓ બનાવીને પોતાની આંતરિક સુઝ અને નૈસર્ગિક શકિતઓનું અનેરૃં પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જયશ્રીબેન કે. રંગોળિયા અને ક્રિષ્નાબેન પોશિયાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રેરક કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રીમાં યુનિભાઇ રાખોલિયા, મહેન્દ્રભાઇ ગોધાણી, નિતેષભાઇ ભુવા અને અંજુલાબેન ઠેસિયા કેમ્પસ ડાયરેકટર સી.પી. રાણપરિયા, શિક્ષણ નિયામક એસ.કે. વોરા સહિત સ્ટાફ ગણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

(1:47 pm IST)