Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી ભાજપે હાંસલ કરી ૨૪માંથી ૧૩ ઉપર ભાજપ વિજય-૧૧ કોંગ્રેસ જીતી

વાંકાનેરમાં ઇતિહાસ રચવામાં ભાજપ સફળઃ તાલુકામાં ભાજપને હોટ ફેવરીટ બનાવવામાં યુવા નેતા યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સફળ રહયા : જીલ્લા પંચાયતની ૬ બેઠકમાં કોંગ્રેસના ૪ અને ભાજપના ર ઉમેદવારો વિજય થયા

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૩: તાલુકામાં ઇતિહાસ રચવામાં ભાજપને આ વખતે જબરી સફળતા મળી છે અને તેના ખરા હકદાર વાંકાનેરના લોકલાડીલા નેતા અને રાજવી પરીવારના યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા રહયા છે.

વાંકાનેર તાલુકા પંચાયત આઝાદી બાદ કોંગ્રેસ પાસે જ પીરઝાદાના નેતૃત્વ હેઠળના વિજેતાઓ પાસે રહી છે. આ વષની સામાન્ય ચુંટણી પણ કોંગ્રેસના ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદાના નેતૃત્વ હેઠળ ચુંટણી જંગમાં હતા જયારે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીના મુખ્ય સુકાની પદે વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાના નેતૃત્વ હેઠળ ભાજપની ટીમ દ્વારા ઉમેદવારો ઉભા રાખવામાં આવેલ કાયમ પણે સ્પષ્ટ બહુમતી મેળવતી કોંગ્રેસને આ ચુંટણીમાં ભારે ઝટકો  પડયો છે. તાલુકા પંચાયતની ર૪ બેઠકમાં  ૧૩ સીટ ઉપર ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી વિજેતા બન્યા છે. જયારે ૧૧ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ચુંટણીમાં તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ગુલમામદભાઇ બ્લોચના પરીવારના મેમ્બર પણ ભાજપમાંથી ચુંટણી લડતા હતા ત્યારે તેમની મહેનત પણ સોનામાં સુગંધ ભળે તેવી રહી હતી. વાંકાનેર તાલુકા પંચાયત કબજે કરવા માટે યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાના સ્વપ્નને સાકાર કરવા માટે વાંકાનેર તાલુકા ભાજપ અને જીલ્લા ભાજપના નેતાઓ પણ પુરા ખંતથી કામે લાગ્યા હતા અને સૌની મહેનત રંગ લાવી હતી. ગ્રામ્ય પ્રજાએ ભાજપ ઉપર મેલેલો વિશ્વાસ એળે નહી જાય અને ગ્રામ્ય વિસ્તારને લગતા પ્રશ્નોને હંમેશા અગ્રતા આપવામાં આવશે તેવી લાગણી યુવરાજશ્રી કેશરીદેવસિંહજીએ વ્યકત કરી હતી.

મોરબી જીલ્લા પંચાયતમાં વાંકાનેર વિસ્તારની ૬ સીટ હોય છે. જેની ચુંટણીમાં કોંગ્રેસનું પલડુ ભારે રહયું છે. આ છ બેઠકમાં કોંગ્રેસને ૪ અને ભાજપને બે સીટ ઉપર વિજય થયો છે.

ગુજરાતભરમાં ભાજપ તરફી પવનમાં વાંકાનેરના સ્થાનીક નેતાઓના નેતૃત્વને સ્વીકારી મતદારોએ ભાજપને સતા નજીક લાવ્યા છે. ત્યારે મતદારોનો પણ યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને ભાજપ ટીમે આભાર માન્યો હતો.

(11:44 am IST)