Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જસદણના જાગૃત મહીલા નગરસેવકની રજુઆતના પગલે ખરાબ રોડના કોન્ટ્રાકટરને ચીફ ઓફિસરે નોટીસ ફટકારી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ,તા.૪ :  જસદણમાં બે વર્ષ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે મેઈન સ્ટેશન રોડને સ્વાગતપથ તરીકે સુંદર રીતે મઢવામાં આવેલ હતો પણ આ રોડ ખરાબ થઈ જતા આ અંગે આ વિસ્તારના જાગૃત નગર સેવક જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતને નજરે ચઢતાં તેમણે લોકોમાંથી ફરિયાદ આવે તે પહેલાં નગરપાલિકા કચેરીએ ફરિયાદ કરતાં આ અંગે તંત્ર કામે વળગી ગયું હતું

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરો વિકાસ યોજનાની નાણાંકીય ગ્રાન્ટમાં તૈયાર થયેલ આ રોડ બે વર્ષમાં ખરાબ થઈ ગયાની રાવને પગલે  ચીફ ઓફિસરએ કોન્ટ્રાકટરને આખરો નોટીસ પાઠવી કાં કામ કરો નહિતર ડિપોઝીટ ખાલસા થઈ જશે એવી નોટીસ પાઠવતાં  નગરપાલિકામાં નબળું કામ કરી બિલ ઉસેડી લેતાં કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાયો હતો.

ચીફ ઓફીસરએ કોન્ટ્રાકટરને પાઠવેલ નોટીસમાં જણાવ્યું છે કે  સ્વાગતપથ બનાવેલ જેનો વર્ક ઓર્ડર ગત તા. ૧૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ કાઢી આપેલ પણ કરારની જોગવાઈ મુજબ ડિફેકટ લાયાબિલિટી પિરિયડ હજું પૂર્ણ થયેલ નથી ત્યાં  આ રોડ ખરાબ થયેલ હોય તે અંગે આ રોડ દિવસ સાતમાં રીપેર કરવો નહિતર  જે ડિપોઝીટની રકમ જમાં છે તે ખાલસા કરવામાં આવશે.

(11:41 am IST)