Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જનતાએ તાલુકા-જીલ્લા પંચાયતોમાં ભાજપ તરફી પ્રચંડ વાવાઝોડુ ફેરવી વિપક્ષોને વંટોળ્યા : ચેતન રામાણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા.૪ : રાજકોટ જીલ્લા ભાજપના અગ્રણી તેમજ સ્થાનિક સ્વરાજય ચુંટણીના જિલ્લા ઇન્ચાર્જ ચેતનભાઇ રામાણીએ તાલુકા જીલ્લા પંચાયત તેમજ ન.પા.ઓની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજયબાદ અખબારી યાદીમાં જણાવતા કહ્યુ હતુ કે, આ પરિણામ મોદીના નેતૃત્વ, રૂપાણીના સુશાસન, પાટીલના સંગઠન કૌશલ્યને ફાળે જાય છે. સાથોસાથ હર હંમેશ ની જેમ ફરી એકવાર જનતા જનાર્દનએ ભાજપને સતા પર આરૂઢ કરાવી સમગ્ર ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોતમ બનાવવાની નેમ લીધી છે.

રૂપાણી - પાટીલનું સફળ નેતૃત્વ સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે જેમાં સરકાર અને સંગઠનએ સંલગ્ન કરી જનતા સમક્ષ સુગમતા પાથરી છે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનને પ્રતિપાદીત કરી સત્કાર્યોને લોકાર્યોથી જનતાનો પુર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરી સાબિત કર્યુ છે કે આ જીત માત્ર ભાજપ સુધી જ સીમીત નથી પરંતુ આ જીત જનતા જનાર્દનની પણ છે. એટલા માટે જ તમામ તાલુકા જીલ્લા પંચાયતો ભાજપને ફાળે જાય છે.

ગુજરાતમાં હવે ગ્રામ્ય વિસ્તારના વિકાસને કોઇ બ્રેક નહી લગાવી શકે તેમજ વિકાસ હવે ચાલશે નહી પણ પુરપાટ ઝડપે દોડી નવી ઉંચાઇઓને આંબી લોકોને સમૃધ્ધતાના દર્શન કરાવી વિશ્વાસ અપાવશે કે ભાજપ નિઃસ્વાર્થ ભાવે સેવા કરતો આવ્યો છે ને કરતો આવશે સાથોસાથ ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, ખેડુત કલ્યાણ, યુવા રોજગાર, મહિલા સશકિતકરણોની બાબતને પ્રાધાન્ય આપી નિર્ધન અને મધ્યમ વર્ગોને શિક્ષણ તેમજ આરોગ્યની અનેકવિધ સુવિધાઓ સુલભ બનાવી છે.

રામાણીએ નિવેદનના અંતમાં કહ્યુ હતુ કે, સમગ્ર ગુજરાતની ગ્રામ્ય વિસ્તારની જનતાએ પોતાની જવાબદારી નિભાવી જરૂરી સમજી અને ચુંટણીને એક પર્વ ગણી પોતાનો અમુલ્ય મત આપી રાષ્ટ્રને સર્વોપરી ગણી રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપ્યો છે.

(11:41 am IST)