Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જામનગરઃ યુવક-યુવતીના મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળ્‍યાં

દરેડ વિસ્‍તારમાં આવેલ કારખાનામાં કામ કરતા ક્રિષ્‍ના અને સંજય પઢીયારે જીવ દીધોઃ રણજીતસાગર નજીક પોલીસની ટીમ દોડી ગઈઃ કારણ અંગે તપાસનો ધમધમાટ

 

તસ્‍વીરમાં યુવક અને યુવતીનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં નજરે પડે છે(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા)

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૪ :. જામનગર નજીકથી યુવક અને યુવતીના ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ જામનગરના સમાણા હાઈવે ઉપર દડીયાના નારણપર વચ્‍ચે રણજીતસાગર નજીક એક યુવક અને યુવતીનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં હોવાનું પોલીસને જણાવવામાં આવ્‍યુ હતું. જેથી પંચકોષી બી-ડિવીઝન પોલીસ કાફલો અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ટીમ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યુ છે કે, બન્ને યુવક-યુવતી જામનગરના દરેડ વિસ્‍તારમાં આવેલા એક કારખાનામાં સાથે કામ કરતા હતા. યુવતી પોરબંદર જિલ્લાની વતની હોવાનું જાણવા મળ્‍યુ છે. તેનુ નામ ક્રિષ્‍ના છે. જ્‍યારે યુવકનું નામ સંજય પઢીયાર હોવાનું જાણવા મળ્‍યું છે.

બન્ને વચ્‍ચે પ્રેમ સંબંધ હોવાના કારણે બન્નેએ આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે.

મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્‍પીટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે. આ બન્નેના મોતના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:25 pm IST)