Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ઉમિયાધામ સીદસર બાદ હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા પણ જયસુખ પટેલના સમર્થનમાં

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, મોરબી સિરામિક એસોસિએશન અને મોરબી રાજપૂત સમાજે પણ જયસુખ પટેલને સમર્થન આપ્યું

મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા. આખું ગુજરાત જે ઘટનાથી હચમચી ગયું તે મામલે પોલીસ દ્વારા જયસુખ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કેટલાક લોકો ખુલ્લે આમ જયસુખ પટેલને સમર્થન કરી રહ્યા છે.

  ગઈકાલે સિદસર ખાતેની પાટીદાર સંસ્થા દ્વારા લેટર પેડ પર જયસુખ પટેલને સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ ખુલીને જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા છે. સાથે સાથે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, મોરબી સિરામિક એસોસિએશન અને મોરબી રાજપૂત સમાજે પણ જયસુખ પટેલને સમર્થન આપ્યું છે.

  ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ જણાવ્યું હતું કે, હું પણ જયસુખ પટેલને સમર્થન કરું છું. સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચિતરવામાં આવ્યા છે. મોરબી પુલ દુર્ઘટના અંગે જયસુખ પટેલના સમર્થનમાં ઉમિયાધામ સિદસરની સાથે અનેક એનજીઓ પણ છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓધવજીભાઈ પટેલ ગુજરાતના ભામાશા તરીકે ઓળખાય છે. કાયદો કાયદાનું કામ કરશે પરંતુ જયસુખભાઈ પટેલને સોશિયલ મીડિયામાં ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝૂલતા પુલનું સંચાલન સંભાળ્યું હોય તેવો સવાલ જ નથી. પુલની મામુલી ટીકીટમાં ખર્ચ પણ ન નીકળે ત્યારે કમાણીનો કોઈ સવાલ જ નથી.

(9:23 pm IST)