Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જુનાગઢ જલારામ મંદિરે ગૌભકતોએ ગૌરક્ષા માટે ૧.૪૩ કરોડ જાપ કર્યા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. જલારામ મંદિર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર ધનુર્માસ (ધનારક) માસમાં મંદિર પરિસરમાં બેસીને ભાવિકજનો તથા ગૌભકતો દ્વારા ગૌરક્ષા જાપ કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે સવા કરોડ ઉપર જાપ થાય છે. આ વર્ષે પણ ધારક માસ દરમ્‍યાન ગૌભકતો દ્વારા ૧ા સવા કરોડ ગૌરક્ષા જાપ નો સંકલ્‍પ લેવાયો હતો અને ગૌભકત બહેનો દ્વારા મંદિર પરિસરમાં બેસીને આખો દિવસ ગૌરક્ષા જાણ કરવામાં આવી રહ્યા હતાં.

બહેનો અપવાસ રાખીને, એકટાણા કરીને પોતાની સાથે ફરાળ અને ચા લાવીને સવારથી સાંજ સુધી મંદિર પરિસરમાં શ્રી પ્રભુની ત્‍થા ગૌમાતાની પ્રતિકૃતિ સન્‍મૂખ બેસીને ગૌરક્ષા જાપ કરીને અનેરી ગૌભકિતના દર્શન કરાવ્‍યા હતાં.

ગૌરક્ષા જાપની મકર સંક્રાંતિના દિવસે સાંજે પૂર્ણાહૂતિ થઇ હતી. તે પ્રસંગે ખાસ ઉપસ્‍થિત વૈષ્‍ણવ ભાગવતાચાર્ય પૂ. શ્રી કેતનભાઇ પેરાણીએ પ્રસંગોચિત વકતવ્‍ય આપ્‍યુ હતું અને ગૌરક્ષા માટે કરેલા જાપ બદલ ભકતજનોને આશિષ આપ્‍યા હતાં.

ત્‍યારબાદ થયેલા ૧ કરોડ ૪૩ લાખ જાપ ને ગૌમાતાની પ્રતિકૃતિના ચરણોમાં અર્પણ કરવામાં આવ્‍યા હતાં.

આ પ્રસંગે ટ્રસ્‍ટ પ્રમુખ મહેન્‍દ્ર મશરૂએ જણાવ્‍યું હતું કે ગાયોના અકારણ મોતને રોકવા માટે પ્‍લાસ્‍ટીકના ઝબ્‍બલામાં શાકનું વિતરણ, વાસી ખોરાક, તથા અન્‍ય ખાદ્ય પદાર્થો ભરીને વ્‍યવસ્‍થિત નિકાલ કરવાને બદલે રોડ ઉપર કે ગલીઓમાં ફેંકી દેવામાં આવે છે તેથી ગાયો તેને ખાઇ જાય છે અને પછી તેના પેટમાં પ્‍લાસ્‍ટીક પચતુ ના હોવાથી રીબાઇ...રીબાઇને મોતને ભેટે છે તેથી જનજાગૃતિ અર્થે ગૌરક્ષા જાપનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. તેમાં દર વર્ષે વધુને વધુ ભાવિકો જોડાતા જાય છે. (પ-ર૩)

(1:41 pm IST)