Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અમરેલીના મીતીયાળામાં આજે બીજે દિ' ૩.૨ની તિવ્રતાનો ભૂકંપ

વારંવાર મીતીયાળા અને ખાંભા પંથકમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

રાજકોટ,તા. ૪ : અમરેલી જીલ્લાના મીતીયાળામાં આજે સવારે ૭:૫૧ વાગ્‍યે ૩.૨ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

કાલે સવારે મીતીયાળા અને ખાંભાના ગ્રામ્‍ય વિસ્‍તારની ફરી એકવાર ધરા ધ્રુજી હતી. સવારના ૭.૫૨, ૭.૫૩ અને ૭.૫૫ એમ ૪ મિનિટમાં જ ભૂકંપના ત્રણ વખત આંચકા અનુભવાયા હતા. અહીં ગતરોજ પણ એક જ કલાકમાં ધરતીકંપના ૩ આંચકા અનુભવાયા હતા. ગતરોજ મીતીયાળા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના ભાડ, વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્‍ટર સ્‍કેલ પર ત્રીજા ભૂકંપની ૨.૮ની તીવ્રતા નોંધાઈ હતી. સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર, મીતીયાળા પંથકમાં છેલ્લા દોઢ મહિનાથી સતત ભૂકંપ આવે છે.

આ અગાઉ ૨૭ ડિસેમ્‍બરે પણ અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મીતીયાળામાં ૪૦ મિનિટમાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાયા હતા. સવારે ૧૦.૪૦ અને ૧૧.૧૮ મિનિટની આસપાસ ભૂકંપ આવતા લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્‍ટર મેન્‍જેમેન્‍ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, જમીનના પેટાળમાં ૬૪૦૦ કિલોમીટરમાં થતી મધ્‍ય કેન્‍દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.

(11:49 am IST)