Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

દારૂ પીવાની ટેવથી મેંદરડા તથા કેશોદનાં પ્રાસંલી ગામના યુવાનની આત્‍મહત્‍યા

કેશોદના મહિલાનું એસિડ પીતા મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : દારૂ પીવાથી ટેવથી મેંદરડા તથા કેશોદના પ્રાસંલી ગામના યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

મેંદરડાનાં સાતવડલા વિસ્‍તારમાં રહેતા ૩૨ વર્ષીય ભરતભાઇ ભીખુભાઇ સોલંકીને દારૂ પીવાની ટેવ હતી તેમજ પાંચ બાળકો હોય આર્થિક સંકડામણ આવી ગઇ હતી.

આથી ગઇ કાલે રાત્રીના આઠ વાગ્‍યે ભરતભાઇએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી.

આ જ પ્રમાણે કેશોદ તાલુકાના પ્રાસંલી ગામના ૩૬ વર્ષીય પ્રવિણભાઇ કાળાભાઇ સોલંકીને પણ દારૂ પીવાની ટેવ હતી. અને દારૂ પીધા વગર ચાલતુ ન હતું.

બીજી તરફ પરિવારજનો દારૂ મુકવાનું કહેતા હોય અને અલગ અલગ વિચારોથી કંટાળો આવતા પ્રવિણભાઇએ પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

જ્‍યારે કેશોદના ગંગનાથપરામાં રહેતા હર્ષાબેન નાજાભાઇ રાડાનું કોઇ કારણસર એસિડ પી જવાથી મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:47 pm IST)