Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

મોરબીમાં યુવાનને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૪:  મોરબીના યુવાને ચાર વર્ષ પૂર્વે પંદર લાખ રૂપિયા વ્યાજે લીધા હોય બાદમાં તે રકમ ચુકવવા અન્ય ઈસમો પાસેથી નાણા વ્યાજે લીધા હોય અને યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હોય જેની પાસેથી પાંચ ઇસમોએ પઠાણી ઉદ્યરાણી કરી યુવાન અને તેની પત્નીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબી પંથકમાં વ્યાજખોરો બેલગામ બન્યા છે વ્યાજખોર તત્વોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે જેમાં મગનભાઈ રામભાઈ સોઢીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને વર્ષ ૨૦૧૭ માં આરોપી ભરત સામત સોઢીયા પાસેથી પંદર લાખ માસિક પાંચ ટકાના વ્યાજે લીધેલ અને મગન સામત સોઢીયા પાસેથી પચીસ લાખ માસિક સાત ટકાના વ્યાજે લીધેલ બાદમાં આરોપી કરણદાન ગઢવી પાસેથી કટકે કટકે રૂ ૨૦ લાખ માસિક ૧૦ ટકા વ્યાજે અને આરોપી મનીષ જગદીશ પાસેથી રૂ ૧૫ લાખ પંદર ટકા વ્યાજે તેમજ આરોપી કિશન રામાણી પાસેથી રૂ ૮ લાખ માસિક પાંચ ટકા વ્યાજે લીધા હતા જે રકમ મગનભાઈ સોઢીયાએ વ્યાજ અને મુદલ રકમ ચૂકવી આપેલ હોવા છતાં વ્યાજનું વ્યાજ ચડાવી આરોપી ભરત મગન સોઢીયા રહે ગજડી તા. ટંકારા, મન સામત સોઢીયા રહે મોરબી વિદ્યુતનગર, કરણદાન ગઢવી રહે ગાંધીધામ, મનીષ જગદીશ રહે ગાંધીધામ અને કિશન રામાણી રહે ગાંધીધામ વાળાએ મોબાઈલ ફોન પર તેમજ ઘરે જઈને યુવાન અને તેની પત્નીને ધમકી આપી બળજબરીથી નાણા કઢાવવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

(11:08 am IST)