Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

મોરબીના વોર્ડ નં. ૫માં ચૂંટણી પૂર્વે બેનરો લાગ્યાઃ સ્થાનિક અને યુવાન ઉમેદવારોને જ આવકાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪ : સ્થાનિક સ્વરાજયની ચુંટણી નજીક છે અને ચુંટણીમાં દાવેદારી માટે રાજકીય પક્ષોમાં કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબીના વોર્ડ નં ૦૫ માં બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં નગરપાલિકા ચુંટણીમાં માત્ર સ્થાનિક અને યુવા ઉમેદવારોને આવકાર મળશે તેવા બેનરોથી રાજકારણ ગરમાયું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વયોવૃદ્ઘ ઉમેદવારોને ટીકીટ ના આપવાનો નિર્ણય કરાયો છે જેથી અનેક દિગ્ગજ નેતાઓ ચુંટણી લડી નહિ સકે ત્યારે મોરબીના વોર્ડ નં ૦૫ ના રહીશોએ બેનરો લગાવ્યા છે વોર્ડની વિવિધ શેરીઓમાં બેનરો લગાવ્યા છે જેમાં સ્થાનિક અને યુવા ઉમેદવારો જ આવકાર્ય છે જયારે આયાતી અને વયોવૃદ્ઘ નેતાઓ મતદારોને સ્વીકાર નથી તેવું જણાવી દેવામાં આવ્યું છે જેથી પીઢ રાજકારણીઓની ચુંટણી લડવાની મનની ઈચ્છા મનમાં જ રહી જશે તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચુંટણી સમયે જ રાજકીય પક્ષો પ્રજાનો અવાજ સાંભળતી હોય છે અને પ્રજા પણ આ વાત સારી રીતે જાણતી હોય જેથી ચુંટણી સમયે જ પ્રજા પણ રાજકીય નેતાઓની નસ દબાવતી હોય છે ત્યારે હવે આ બેનરો મારફત મતદારોએ જે ઈચ્છા વ્યકત કરી છે તેને રાજકીય પક્ષો માન સન્માન આપે છે કે પોતાની મનમરજી ચલાવે છે તે જોવું રહ્યું.

(10:26 am IST)