Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કોઇ વસ્તુ સારી લાગતી ન હતી, બંદીજન હોવાનો થતો'તો અહેસાસઃ મુદિત સાગર

ભવનાથમાં ગુમ થયા બાદ મધ્યપ્રદેશમાંથી મળેલા જૈન સાધુનો વસવસો

 જૂનાગઢ તા.૪: ભવનાથ ખાતેથી ગુમ થયા બાદ મધ્યપ્રદેશથી મળી આવેલા જૈન મુની મુદિતસાગરે વસવસો વ્યકત કરતા જણાવેલ કે, તેમને કોઇ વસ્તુ સારી લાગતી ન હતી અને બંદીજન હોવાનો અહેસાસ થયો હતો.

ગિરનાર તિર્થ ક્ષેત્રમાં દિગ્મ્બર જૈન મુની મુદિતસાગર ગુરૂ સુનિલસાગરજી વંદના કરવા આવેલ. પરંતુ તેઓ ૨૩ જાન્યુઆરીની વહેલી સવારે ભવનાથ ખાતેથી લાપતા થયા હતા.

આ અંગેની જાણ થતાં આઇજીપી સુભાષ ત્રિવેદીની સુચનાથી એસ.પી. સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવીને જૈન સાધુની શોધખોળ કરવામાં આવેલ.

ડીવાયએસપી એમ.એસ. રાણા સહિતનાં પોલીસ કાફલાએ ગિરનાર જંગલમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. સાધુની ભાળ મેળવવા ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચનાં પી.આઇ. આર.કે. ગોહિલ, એન.બી. ચૌહાણ, એસઓજીનાં પી.આઇ. જે.એમ. વાળા સહિતની ટીમે જૈન મુનીને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા હતાં.

તે દરમિયાન મુદિત સાગર મધ્યપ્રદેશમાં તેમના ભાઇનાં રાયપુર ખાતેનાં ઘરેથી મળી આવ્યા હતા.

મૂળ નામ હુકમચંદ નૈનેલાલ જૈન ધરાવતા જૈન મુનિએ પોલીસ સમક્ષ જણાવેલ કે, ૨૦૦૭માં દીક્ષા લીધી હતી. હું સંઘ સાથે ગિરનારની વંદના કરવા આવેલ.

ત્રણ વંદના કરી ચુકેલા મુદિત સાગરે જણાવેલ કે, કોઇ વસ્તુ સારી લાગતી ન હતી. અને હું જેલવાસ ભોગવતો હોઉ તેવું અનુભવતો હતો ત્યારે અચાનક ત્યાંથી નિકળી ગયો હતો.

કોઇની સામે કોઇ પ્રકારની ફરિયાદ નથી તેમ જણવીને તેઓએ જણાવેલ કે મને મારો પરિવાર સ્વીકારશે તો ઠીક બાકી હું અન્ય જગ્યાએ જતો રહીશ પરંતુ મારા ગુરૂપાસે જઇશ નહિ તમેણે સૌની માફી માંગી હતી.(૧.૯)

(4:03 pm IST)