Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાણવડમાં પ લાખની રોકડ દાગીના સાથેનું પર્સ મુળ માલીકને પરત કર્યુ

ભાણવડ તા.૪ : રાજપુત સમાજના પ્રમુખ અને યુવા એડવોકેટ વિજયસિંહ વાળા તેમના પરિવાર સાથે ધ્રોલથી પારિવારીક કામ નિપટાવી ભાણવડ પરત ફરી રહ્યા હતા ત્યારે લાલપુર ખાતે મધુરમ પાન સેન્ટર પાસે નાસ્તા માટે કાર રોકી હતી. નાસ્તો પાણી પતાવી રાત્રે ભાણવડ આવી ગયા બાદ ખ્યાલ આવ્યો હતો કે, રોકડ રકમ અને દાગીના ભરેલુ પર્સ નાસ્તો કરવા રોકાયા હતા તે મધુરમ પાન સેન્ટરના ટેબલ પર જ ભુલાઇ ગયેલ હોવાનુ ભાન થતા પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.

સામે પક્ષે મધુરમ પાન સેન્ટરના દેવજીભાઇ ડાયાભાઇ નકુમના બે પુત્રો ભાર્ગવભાઇ અને કિશનભાઇના ધ્યાને ટેબલ પરનુ પર્સ આવતા પોતાના કબ્જે લઇ સુરક્ષીત રાખી દીધેલ. આ સમયે વિજયસિંહ વાળાએ તેમના મિત્ર અને હમ વ્યવસાયી મોટા ખડબાના હરપાલસિંહ જાડેજાનો સંપર્ક કરી બનાવની હકીકતથી  વાકેફ કરતા તેઓએ અને અન્ય એક શિવાના યુવક સંદિપભાઇ સોનગરાને સાથે રાખી મધુરમ પાનમાં જઇ પુછપરછ કરી હતી અને પર્સ સલામત હોવાનુ જણાવ્યુ હતુ.

વિજયસિંહે લાલપુર જઇ પર્સ સલામત રીતે પરત કરનાર બંને નકુમ બંધુઓને ઉષ્માભર્યુ સન્માન કરેલ અને તેમના માતા પિતાનો આભાર વ્યકત કરેલ હતો. આમ ભાણવડના એડવોકેટ પરિવારનું રોકડ રૂપિયા અને સોનાના દાગીના સહિત પાંચ લાખથી વધુની કિંમતનું પર્સ હેમખેમ પરત કરી લાલપુરના મધુરમ પાન સેન્ટરના નકુમ ભાઇઓએ પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.(૪૫.૫)

(12:12 pm IST)