Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

જેના સવાયા લક જાગ્યા હોય એને જ ગુરૂ સેવા કરવાની તક મળતી હોય છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

ગોંડલ નવાગઢ સ્થાકવાસી જૈન સંઘ નૂતનીકરણ ઉપાશ્રયનો દ્વાર ઉદ્દઘાટન સમારોહ ભકિતભાવથી સંપન્ન

રાજકોટ,૪: પ્રભુ ધર્મની પ્રભાવનાનો અથાગ અને ભગીરથ પુરૂષાર્થ કરીને ગોંડલ ગચ્છ અને ગુરૂનું ગૌરવ વધારી રહેલાં રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.ની દીર્ઘદ્રષ્ટિ અને પાવન પ્રેરણાથી નૂતનીકરણથી ભવ્યતા પામેલા શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયનો દ્વારા ઉદ્દઘાટન સમારોહ પરમ શ્રધ્ધેય પૂજય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબ ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ અને મહાસતીજીવૃંદના સાંનિધ્યે અત્યંત આનંદ ઉત્સાહ અને શ્રધ્ધા ભકિતના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.

ગોંડલ ગચ્છના આધ્યસંસ્થાપક, એકાવતારી, નિંદ્રા વિજેતા ગુરૂદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની પ્રત્યક્ષ ઉપસ્થિતિની અનુભૂતિ કરાવતી ગાદી જયાં સ્થાપિત કરવામાં આવી છે એવાં ૨૦૦ વર્ષ જુનાં શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘનો ઉપાશ્રયને પૂજયશ્રીની પ્રેરણા અને મુંબઈનાં ઉદારદિલ દાનેશ્વરી ગુરૂભકત  પરાગભાઈ કિશોરચંદ્ર શાહનાં  અનુદાનના સહયોગે નૂતનીકરણનો ઓપ આપવામાં આવ્યો છે. નૂતનીકરણ થયેલાં ઉપાશ્રયના દ્વાર ઉદ્દઘાટન સમારોહના આ અવસરે પરમ શ્રદ્ઘેય પૂજય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબ, ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, શાસન ગૌરવ પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ, શાસચંદ્રિકા પૂજય શ્રી હીરાબાઈ મહાસતીજી, અખંડ સેવાભાવી પૂજય શ્રી ભદ્રાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ, સદાનંદી પૂજય શ્રી સુમતીબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ, વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા, પૂજય શ્રી ઉર્મી -ઉર્મીલાબાઈ મહાસતીજી આદિ એવમ સંઘાણી સંપ્રદાયના પ્રવર્તિની ચારિત્ર જયેષ્ઠા માં સ્વામી પૂજય શ્રી જયવિજયાબાઈ મહાસતીજી પરિવાર આદિ ડુંગરદરબારના સતવૃંદની મંગલમય પધરામણી સાથે સમગ્ર કાર્યક્રમમાં એક અનેરા પ્રકારની પાવનતા પ્રસરાઈ હતી.

ગોંડલનાં શ્રી ડુંગર દરબારનાં વિશાળ શામિયાણામાં શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘોના પદાધિકારીઓ મસ્તકે ગૌરવવંતી પાઘડી ધારણ કરીને પધારતા એમનાં પ્રવેશ વધામણાં કરવાં સાથે રાષ્ટ્રસંત પૂજય શ્રીના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગહર સ્તોત્રની જપ સાધના બાદ કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી છ મહિના પહેલાં ગોંડલ નવાગઢ શ્રી સંઘના ઉપાશ્રયમાં પધારેલાં રાષ્ટ્રસંત પૂજયશ્રીની દીર્ઘદ્રષ્ટિએ ભાવિકોને ઉપાશ્રયના નૂતનીકરણની પ્રેરણા આપવામાં આવતા શ્રી સંઘે સર્વ સંમતિથી સહર્ષ સ્વીકારી અને ઉપાશ્રયના નૂતનીકરણ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ.

ઉપાશ્રય નૂતનીકરણના કાર્ય સંદર્ભે આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીએ કહ્યું હતું કે, કોઈપણ સર્જન એક વિઝન સાથે કરવામાં આવતું હોય છે. કોઈ પણ સર્જન માત્ર સગવડ માટે નહીં ભાવી યુવાપેઢીનુ વિઝન રાખીને કરવામાં આવે તો જ યુવાઓને ધર્મ માર્ગે વાળી શકાય.

ગોંડલની આ ધરા પર ચાહે કોઈ નાના સંત-સતીજી પધારે કે મોટા પરંતુ દરેકની વૈયાવચ્ચે સમાનભાવે થઇ રહી છે. ધર્મસ્થાનમાં આવનારી દરેકે દરેક વ્યકિત પૂજય દાદાગુરૂના જીવનથી પરિચિત થાય અને પ્રેરણા પામે તે માટે પૂજય દાદાગુરૂના એવી ગોંડલના ભાવિકોની વિશેષતાની પ્રશસ્તિ કરવા સાથે આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રી ની પ્રેરણાથી ગડલના આજીવનકવન પર આધારિત સુંદર અને કલાત્મક પેઈન્ટિંગ્સની આર્ટ ગેલેરી બનાવવામાં આવેલ છે.

આ અવસરે પરમ શ્રદ્ધેય પૂજય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબે પોતાના ભાવોની અભિવ્યકિત કરતાં કહ્યું હતું કે, પૂજય સંતો અને સતીજીઓનું વિચરણ સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે પરંતુ ગોંડલની ભૂમિનો પ્રભાવ એવો છે કે, દરેક સંત સતીજીઓ પ્રત્યેના સદ્દભાવની અહીં જે ઉમદાભાવના છે તે અન્ય સંઘોએ શીખવા જેવી છે, સંત-સતીજીઓ ચાહે આજે ગમે એવા ઉચ્ચસ્થાન પર બિરાજી રહ્યાં હોય પરંતુ એના પાછળનું યોગદાન ગોંડલનું રહેલું છે. આજે અહીં સંતો અને સતીજીઓ એકત્રિત થયાં છે તે વર્તમાન ઇતિહાસનો પ્રથમ પ્રસંગ બની રહેશે. ઉપરાંતમાં ગોંડલ સંઘની નાના સંઘો પ્રત્યેની ઉદારતાની પ્રશસ્તિ કરીને આવનારા સમયમાં ગાદીનું ગૌરવ વધતું રહે તેવી ભાવના વ્યકત કરી હતી અને સાથે સાથે અનેક સહયોગીઓના સહયોગે નૂતનીકરણ પામેલાં ઉપાશ્રયની સ્વચ્છતા જાળવીને અહીં આવનાર દરેક ભાવિકો માટે અનુકૂળ વાતાવરણ સર્જવાની તેમજ અતિથિગૃહ અને ભોજનશાળાના નિર્માણની પ્રેરણા કરી હતી.

ગોંડલના દીકરી એવા પૂજય શ્રી સ્મિતાબાઈ મહાસતીજી તેમજ ડો. પૂજય શ્રી અમીતાબાઈ મહાસતીજીએ બોધ પ્રવચન આપીને સહુને પ્રેરિત કાર્ય હતા. ગોંડલ સંપ્રદાય સંઘના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારીએ ભાવ પ્રગટ કરેલ. ઉપાશ્રયનાનૂતનીકરણમાં અનુદાન આપનારા  ગુરૂભકત પરાગભાઇ શાહ ગુરૂ ભગવંતો પ્રત્યે અહોભાવ પ્રદર્શીત કરેલ.

આ અવસરે દાદા ગુરૂદેવના જીવન કવન પર આધારિત કલાત્મક પેઇન્ટિંગસ નું અનાવરણ પરાગભાઈ શાહ,જીતુભાઈ બેનાણી, અજયભાઈ શેઠ અને  પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી તેમજ શ્રી સંઘનાં મંત્રી  જિજ્ઞેશભાઈએ સહુનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. લુક એન લર્ન ગોંડલની બાલિકાઓ દ્વારા આ અવસરે સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરતાં સર્વત્ર આનંદ છવાયો હતો.

સર્વ ભાવિકોનું તેમજ સૌરાષ્ટ્રભરના ઉપસ્થિત સર્વ સંઘપદાધિકારીઓને ગાદીનું સુંદરપ્રતિક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. એ સાથે જ,  સેવક ભાવિકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દાતા પરિવાર માનસીબેન પરાગભાઈ શાહનું ગોંડલ સંપ્રદાયના સંઘોએ સન્માન કરેલ.

નૂતનીકરણ પામેલાં ઉપાશ્રયના દ્વાર ઉદ્ઘાટનનો અમૂલ્ય લાભ આ અવસરે રૂ, આઠ લાખમાં બીનાબેન અજયભાઈ શેઠ પરિવારે લીધો હતો. નૂતનીકરણ ઉપાશ્રયમાં બનનારા ત્રણ સાધના રૂમના અનુદાનનો લાભ ગોંડલના માતુશ્રી રમીલાબેન હરકીશનભાઈ બેરાણી હસ્તે કુમારી ધારાબેન એનાણી, માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પરિવાર ચંદ્રકાન્તભાઈ શેઠ તેમજ પ્રતીકભાઈ સુરેશભાઈ કામદારે લીધો હતો.

લાભાર્થી પરિવાર દ્વારા નૂતનીકરણ પામેલા ઉપાશ્રયના દ્વારનું પૂજય દાદા ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની ધૂનના ગુંજારવ સાથે મંગલ ઉદ્ઘાટન કરવામાં આવતાં સર્વત્ર ગગનભેદી જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. ભાવિકો માટેની નવકારશીનો લાભ કામદાર પરિવાર તેમજ ગૌતમ પ્રસાદ નો લાભ લોહાણા પરિવારના  અનિલભાઈ ઉનડકટે લીધો હતો. શાસને ગૌરવ પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબેમાંગલિક વચનનો શ્રવણ કરાવેલ.(૩૦.૨)

(12:12 pm IST)