Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હવે હરિદ્વાર અને મથુરામાં લેઉવા પટેલ સમાજ ભવનો નિર્માણ પામશેઃ જયેશભાઇ રાદડીયા

જામકંડોરણામાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાઓની અનાવરણવિધી

જામકંડોરણા-ધોરાજી તા. ૪ :.. જામકંડોરણા ખાતે એકી સાથે ત્રણ સ્થળોએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ, સરદાર પટેલ શૈક્ષણીક સંકુલનું વાલી સંમેલન અને સમાજ શ્રેષ્ઠીઓ અને તેજસ્વી તારલાઓનું સન્માન સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.

જામકંડોરણામાં પટેલ ચોકમાં, કન્યા છાત્રાલયના ગેઇટ પાસે અને બોરીયા ગામમાં રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી ચેતનાબેન વિઠલભાઇ રાદડીયાના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ તકે કેબિનેટ મંત્રી અને સરદાર પટેલ શૈક્ષણીક સંસ્થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયા, સુરતના અગ્રણી વસંતભાઇ ગજેરા, મહેશભાઇ સવાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ગોવિંદભાઇ રાણપરીયા, પૂર્વ મંત્રી જશુબેન કોરાટ, જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, ભરતભાઇ બોઘરા, ઉપસ્થિત રહયા હતાં. જામકંડોરણા લેઉવા પટેલ કુમાર છાત્રાલય ખાતે વાલી સંમેલન, સમાજ શ્રેષ્ઠીઓ તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે આ તાલુકાના લેઉવા પટેલ સમાજના સહયોગથી મારા પિતા વિઠલભાઇ રાદડીયાએ ૧૯૯ર માં આ શિક્ષણધામ ઉભુ કરેલ છે અત્યારે રાજકોટમાં પણ જયાબેન રવજીભાઇ ભાલાળા લેઉવા પટેલ કન્યા છાત્રાલય બનાવાયું છે અને રાજકોટમાં બીજુ પણ ૧૦ માળનું આધુનિક છાત્રાલયનું કામ પુર્ણ થવાના આરે છે આ સમાજની વધુ સેવા માટે નાથદ્વારા, દ્વારકામાં લેઉવા પટેલ સમાજના નિર્માણ બાદ હવે હરિદ્વાર અને મથુરામાં લેઉવા પટેલ સમાજ ભવનો નિર્માણ પામશે દાતાશ્રીઓના સહયોગથી સમાજના લોકોને કાયમી લાભ મળે તે માટેની પ્રવૃતિઓ થઇ રહી છે. જામકંડોરણા તાલુકાના મોટા ભાગના ગામોમાં લેઉવા પટેલ સમાજ ભવનો નિર્માણ પામેલ છે ત્યારે વર્ષોથી સ્વપ્ન હતું કે જામકંડોરણામાં સરદાર પટેલની પ્રતિમા મુકાય અને આવનારી પેઢી ગર્વથી કહી શકે કે અમે સરદારના વંશજો છીએ તેથી આજે  જામકંડોરણામાં ત્રણ સ્થળોએ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ છે. સમાજના પ્રશ્નો અને સમાજની મુશ્કેલીઓમાં હરહંમેશ જાગૃત છીએ અને આ તાલુકાનો લેઉવા પટેલ સમાજ અમારી પાછળ ઉભો છે ત્યારે સમાજ તાકાતવાળો   બને તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન પણ મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ આ તકે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં કલાકારો કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ, મનસુખભાઇ વસોયાના કાર્યક્રમને લેઉવા પટેલ સમાજના હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ માણયો હતો.

ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, ભરતભાઇ બોઘરા, જશુબેન કોરાટ, ડી. કે. સખીયા, ચેતનાબેન રાદડીયા, વેરજીભાઇ વેકરીયા, રમેશ ટીલાળા, કમલ નયન સોજીત્રા, મનસુખભાઇ, પરસોતભાઇ ગજેરા, રસીકભાઇ ગોંડલીયા, અરવિંદ દોમડીયા તેમજ ગોવિંદભાઇ રાણપરીયા, વિઠલભાઇ બોદર સહિત આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે સુરતના હજારો દિકરીઓને લગ્નના તાંતણે બંધાવતા સેવાભાવી મહેશભાઇ સવાણીએ પોતાના પ્રવચનમાં દિકરી વીષે  માર્ગદર્શન આપેલ અને દિકરીઓને આગળ લાવવા આહવાન કરેલ છે. આ તકે વસંત ગજેરા, જયેશભાઇ રાદડીયા, ચેતનાબેન રાદડીયા, ડી. કે. સખીયા સહિતના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણ પત્રો આપી સન્માનીત કરેલ હતાં. આ તકે વસંત ગજેરાએ વિઠ્ઠલભાઇ રાદડીયાની સેવાને બીરદાવી અને આપણી વચ્ચે જલદી આવે તેવી પ્રાર્થના કરી હતી. (પ-ર૦)

(12:08 pm IST)