Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

લઘુ કુંભમેળામાં યોગી આદિત્યનાથ આવશે : જૂનાગઢમાં ધર્મસભા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને સંતોને આમંત્રણ આપવા ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ લખનૌમાં

રાજકોટ તા. ૪ : જૂનાગઢમાં દર વર્ષે ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને રાજ્ય સરકારે 'ગિરનાર શિવરાત્રી કુંભ મેળા' તરીકે જાહેર કર્યો છે. આ વર્ષે તા. ૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી મેળો યોજાનાર છે. જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ હાજરી આપનાર છે તેમની હાજરીમાં જ જૂનાગઢમાં ધર્મસભા અથવા ધર્મસંસદ થશે.

રાજ્ય સરકારે જૂનાગઢના મેળાને 'લઘુ કુંભ મેળો' જાહેર કર્યા બાદ પ્રથમ વખત આયોજન થઇ રહ્યું છે. રાજ્ય સરકારે યોગી આદિત્યનાથજીને ટેલીફોનિક નિમંત્રણ આપતા તેમણે ઉત્સાહવર્ધક પ્રતિભાવ આપેલ તેથી આજે રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ તેમને વિધિવત આમંત્રણ આપવા યુપીના પાટનગર લખનૌ પહોંચ્યું છે. આજે સાંજે યોગીજીને મળ્યા બાદ કાલે પ્રયાગ ખાતે સંતોને આમંત્રણ અપાશે. યોગીજી તા. ૧ માર્ચ આસપાસ જૂનાગઢના મેળામાં આવશે.

યુપી આમંત્રણ આપવા ગયેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસન મંત્રી ગણપત વસાવા, યાત્રાધામ વિકાસમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે, જૂનાગઢના શ્રી ભારતીબાપુ, શ્રી હરિગિરિબાપુ વગેરેનો સમાવેશ થાય છે.

લોકસભાની ચૂંટણી જાહેર થવાના અરસામાં જ મહાશિવરાત્રીના મેળામાં યોગી આદિત્યનાથના આગમન અને ઉદ્બોધનને સમીક્ષકો રસપૂર્વક નિહાળી રહ્યા છે.(૨૧.૧૫)

 

(11:49 am IST)