Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આડા સંબંધના કારણે શૈલેષ ડાભીની હત્યા કરાઈ'તી

કોટડાસાંગાણીના જૂના રાજપીપળાના કોળી યુવાનની હત્યાનો ૪૮ કલાકમાં જ પડદો ઉંચકતી રૂરલ પોલીસઃ ભુવા સહિત ૬ની ધરપકડઃ જૂના રાજપીપળાના ભુવા કેશુ કોળીની પત્ની સાથે મૃતક શૈલેષને આડા સંબંધ હોય પૂર્વયોજીત કાવત્રુ રચી ઢિમ ઢાળી દેવાયું: એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી., એલસીબીના આટકોટ પોલીસને સફળતા

તસ્વીરમાં પકડાયેલ આરોપીઓ સાથે પોલીસ કાફલો અને મૃતક કોળી યુવાનનું છોટાહાથી વાહન નજરે પડે છે

આટકોટ, તા. ૪ :. ગત તા. ૧ના રોજ જસદણના કાનપર ગામ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે કોટડાસાંગાણીના જૂના રાજપીપળા ગામનાં શૈલેષ કોળીની હત્યા કરી ફેંકી દેવાયેલ લાશ મળી આવી હતી. જેનો રાજકોટ જીલ્લા પોલીસે ૨ દિવસમાં જ ભેદ ઉકેલી ૬ આરોપીની ધરપકડ કરી છે. આ બનાવ પાછળ આડા સંબંધ કારણભુત હોવાનું પણ બહાર આવ્યું છે.

આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીના જૂના રાજપીપળા ગામે રહી ટેમ્પો ચલાવતા શૈલેષ અરજણભાઈ ડાભી જાતે કોળીની જસદણના કાનપર ગામ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ગત તા. ૧ ના રોજ લાશ મળી આવી હતી. મૃતકના શરીર ઉપર ઈજાના નિશાન અને ગળામાં દોરી હોય પ્રથમદર્શીય શૈલેષની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું.

રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સીધી દેખરેખ હેઠળ જીલ્લા એસ.ઓ.જી., એલ.સી.બી., આટકોટ પોલીસ સહિત જુદી જુદી ટીમો બનાવી દરેક પાસા જીણવટભરી તપાસી અને મરણ જનારે કરમાળ પીપળીયા ગામે પ્રવીણદાસ લીંબાવતની દુકાને ડીઝલ પુરાવ્યું હતુ, ત્યાં ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરા જોતા શૈલેષના છોટા હાથીમાં અન્ય પાંચ શખ્સો બેઠા હતા. આ શખ્સોની ઓળખ મેળવવા પ્રયાસો દરમિયાન બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે આરોપીઓ જીવણભાઈ બાડપર વાળાની વાડીમાં રોકાયા હોય પોલીસે વાડીમાં છાપો મારતા તમામ આરોપી ઝડપાઈ ગયા હતા. બધાની આગવી ઢબે પુછપરછ કરતા તેઓએ જ શૈલેષની હત્યા કર્યાનું કબુલ કર્યુ હતું.

ધરપકડ કરાયેલામાં કેશુ જીવા રોજાસરા (ઉ.વ. ૫૩, રહે. જૂના રાજપીપળા), જીવન શંભુ પારખીયા પટેલ (ઉ.વ. ૪૫, રહે. બાડપર), પપ્પુ રામસંગ વસુનીયા આદીવાસી (ઉ.વ. ૩૪, રહે. જાંબુઆ), વિકાસ તોલીયા (ઉ.વ. ૨૧, આદીવાસી), પંકજ રામસંગ વસુનીયા (ઉ.વ. ૧૬ આદિવાસી, રહે. મધ્યપ્રદેશ)ના જાંબુઆ છે.

આ બનાવના કારણમાં આરોપી કેશુ જીવા કોળીની પત્નિ સાથે મૃતક શૈલેષને આડા સંબંધ હોવાની જાણ કેશુને થતા તેણે પોતાના મિત્ર જીવણને વાત કરી મદદ કરવાનું કહ્યુ હતુ, કેશુ પોતે માતાજીનો ભુવો હોય અને આદિવાસી મજુરો તેની પાસે ધાર્મિક વિધિ કરાવવા આવતા હોય બાકીના આરોપી આદિવાસી સહિત બધાએ ભેગા મળી પૂર્વયોજીત કાવત્રુ ઘડી શૈલેષનું છોટા હાથી ભાડે કરી કાનપર - સાણથલી રોડ ઉપર લઈ જઈ આંખમાં મરચાની ભુક્કી છાંટી તમામ આરોપીઓએ ભેગા મળી શૈલેષને દોરી વડે ગળેફાંસો આપી હત્યા કરી નાસી ગયા હતા.

આ હત્યાનો ભેદ ઉકેલવામાં એસ.ઓ.જી.ના ઈન્સ્પેકટર એમ.એન. રાણા, સબ ઈન્સ. વાય.બી. રાણા, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ, એલ.સી.બી.ના ઈન્ચાર્જ ઈન્સ. જે.એમ. ચાવડા, સબ ઈન્સ. એચ.એ. જાડેજા, એ.એસ.આઈ. પ્રભાતભાઈ, હિતેષભાઈ, મનોજભાઈ, અજીતભાઈ, પરાક્રમસિંહ, ભાવેશભાઈ તથા આટકોટના પી.એસ.આઈ. ભારતીબેન ચૌધરી સહિત જોડાયા હતા.(૨-૯)

(11:48 am IST)